ટોરોન્ટો : ઈન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિના પત્ની પ્રસિદ્ધ લેખિકા સુધા મૂર્તિને ઈન્ડો-કેનેડિયન ઈવેન્ટમાં કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 'ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ દર વર્ષે એવા અગ્રણી ભારતીયને આપવામાં આવે છે કે જેમણે તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવ્યું હોય. આ એવોર્ડની રકમ 50,000 ડોલર છે.
એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા : કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ સતીશ ઠક્કરે શનિવારે રાત્રે જણાવ્યું હતું કે, 'સુધા મૂર્તિને ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ અર્પણ કરતાં અમે ખૂબ જ ખુશ છીએ. તેમણે તેમની આખી કારકિર્દી ભવિષ્યની પેઢીઓને તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા માટે માર્ગ મોકળો કરવામાં વિતાવી છે અને સમાજને પાછા આપવા માટે ઉત્સાહિત છે. ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા પાસેથી એવોર્ડ સ્વીકારતા સુધા મૂર્તિએ કહ્યું, 'તમારા દેશ તરફથી આ એવોર્ડ મેળવવો મારા માટે સન્માનની વાત છે.'
એવોર્ડમાં 50,000 ડોલરની ઇનામી રકમ મળી : આ એવોર્ડ માટે તેમની પસંદગી કરવા બદલ કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન (CIF)નો આભાર માનતા સુધા મૂર્તિએ કહ્યું કે, 'CIF મહાભારતના કૃષ્ણ સમાન છે. કૃષ્ણ દેવકીના પુત્ર છે અને યશોદાના પણ છે. દેવકી તેમની જન્મદાતા હતી અને યશોદાએ તેમનો ઉછેર કર્યો હતો. તમે ભારતમાં જન્મ્યા છો પણ અહીં જ સ્થાયી થયા છો, આ યશોદા છે અને તમારી માતા ભારત છે.
સુધા મૂર્તિ નારાયણ મૂર્તિના પત્ની છે : બંને દેશો વચ્ચેના સેતુ તરીકે ઈન્ડો-કેનેડિયન ઈમિગ્રન્ટ્સની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, 'તમે એક અલગ ભૂમિમાં ભારતીય સંસ્કૃતિના વાહક છો અને કૃપા કરીને આ ચાલુ રાખો. 2014માં તેમના પતિને પણ આ જ એવોર્ડ આપવામાં આવ્યો હોવાથી સુધા મૂર્તિએ કહ્યું કે, 'આ એવોર્ડમાં એક મજાની વાત છે કારણ કે નારાયણ મૂર્તિને પણ આ એવોર્ડ 2014માં મળ્યો હતો અને મને 2023માં મળ્યો હતો. તેથી, અમે એવોર્ડ મેળવનાર પ્રથમ યુગલ છીએ.
ઇનામી રકમનું દાન કરવામાં આવ્યું : તેમણે ઈનામની રકમ ધ ફિલ્ડ ઈન્સ્ટિટ્યૂટ (યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો)ને દાનમાં આપી છે, જે ગણિત અને બહુવિધ શાખાઓમાં સહયોગ, નવીનતા અને શિક્ષણને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. ટોરોન્ટો ફેસ્ટિવલ ઈવેન્ટમાં સુધા મૂર્તિ તેમના જમાઈ અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના માતા-પિતા સાથે હતા.