હૈદરાબાદઃ 2020માં ભારત WHIમાં 94મા સ્થાન પર હતું. જો કે તે પછીના વર્ષોમાં આપણો દેશ 101 અને 107મા સ્થાને આવી ગયો હતો. વર્તમાનમાં ભારતની તાજી સ્થિતિ 125 દેશોમાં 111મા સ્થાને આવી ગઈ છે. આ ખરાબ પરિસ્થિતિના મુખ્ય ચાર કારણો છે. જે નાગરિકોની ભૂખ સાથે સંકળાયેલા છે. જેમાં કુપોષણ, બાળ વિકાસમાં ખામી અને બાળ મૃત્યુ દરનો સમાવેશ થાય છે. આ ચિંતાજનક હકીકતથી બિલકુલ વિપરિત દિશામાં ભારત સરકારે આ WHIનો વિરોધ કર્યો છે. સરકાર કહે છે કે WHI ભારતની વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં વિફળ રહ્યું છે. તેમ છતાં 2016-18ના વ્યાપક રાષ્ટ્રીય પોષણ સર્વેક્ષણે એક અશુભ ચેતવણી આપી હતી. ખોરાકની કમી બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરહદો ઓળંગી ગઈ છે. પાંચ વર્ષથી ઓછા બાળકોમાં કુપોષણ વધી રહ્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ રિપોર્ટમાં છે. જે આપણા દેશની આરોગ્ય સંબંધી સેવાઓનું એક ગંભીર ચિત્રણ છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરોન્મેન્ટ(CSE)એ કરેલા સંશોધનમાં 71 ટકા ભારતીયો કુપોષણથી ઝઝુમી રહ્યા છે. આ એક એવી સમસ્યા છે જે દર વર્ષે 1.7 મિલિયન લોકોનો જીવ લે છે. વર્લ્ડ હંગર ઈન્ડેક્સ(WHI)ને અમાન્ય ગણાવો એક નિરર્થક પ્રયાસ છે. જ્યારે 68 ટકા બાળકોનું મૃત્યુ કુપોષણથી થાય છે. અફસોસની વાત છે કે દેશમાં અસંખ્ય માતાઓ એનિમિયાની બિમારીથી પીડાઈ રહી છે. તેમજ કુપોષણને પરિણામે બાળકોનું સતત મોત થઈ રહ્યું છે. ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિની રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, કારણ કે આ રિપોર્ટમાં પોષણ અભિયાન અને પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં ફાળવેલા બજેટનો દુરઉપયોગ થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ છે. દેશ અન્ય ક્ષેત્રે વિકાસ કરી રહ્યો હોવા છતા નાગરિકોનું મૃત્યુ ભૂખથી થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ ગંભીર સ્થિતિને કાબુમાં લેવા માટે શક્ય તેટલા વધુ નાગરિકોને રેશન પહોંચાડવાનો આદેશ કર્યો છે. આ રિપોર્ટમાં દર્શાવેલ ભયંકર સમસ્યાનો સામનો કરવા માટે દેશની અંદરથી માનવતાની રાહે મદદ થાય તેમજ પ્રશાસનમાં રહેલી ખામીઓને સત્વરે દૂર કરવી જોઈએ.
પંદરમા નાણાં આયોગે બાળકોમાં કુપોષણને ભારતની પ્રગતિમાં મોટો અવરોધ ગણાવ્યો છે. નીતિ આયોગે યોગ્ય સ્તનપાન પર ભાર મુક્યો છે. જો યોગ્ય સ્તનપાન કરાવવામાં આવે તો બાળકોમાં થતા કુપોષણને 60 ટકા જેટલું ઓછું કરી શકાય છે. આ દાવો સાચો છે, કારણ કે જ્યારે એનિમિયાથી પીડિત માતા પોતાના નવજાતને કુદરતી પોષણ કેવી રીતે પુરૂ પાડી શકે? જે દેશ આ સમસ્યાને ગંભીરતાથી લે છે તેમજ તેના પર નક્કર કાર્યવાહી કરે છે તે દેશ અનેક ક્ષેત્રે પ્રગતિ કરતા જોવા મળી રહ્યા છે. નેપાલ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નેપાલે નવજાત શીશુ અને ધાત્રી માતાઓના પોષણ પર ખૂબ ધ્યાન આપ્યું છે. નવજાત શીશુ અને માતાઓના પોષણ બાબતે નેપાલે બહુ પ્રશંસનીય કામ કર્યુ છે. બાંગ્લાદેશમાં પણ આ મુદ્દે હકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 25 વર્ષ પહેલા, બાંગ્લાદેશ ઓછા વજનવાળા બાળકોની સમસ્યાથી પીડાતો દેશ ગણાતો હતો. છતાં પણ માતૃ શિક્ષાને પ્રાધાન્ય, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં અનેક પહેલ કરવાને લીધે બાંગ્લાદેશમાં નોંધનીય બદલાવ આવ્યો છે. અફસોસની વાત એ છે કે ઘર ઘરમાં આ સમાનતા જોવા મળી રહી છે. WHIના ચિંતાજનક આંકડા પરથી ફલિત થાય છે કે 18.7 ટકા ભારતીય બાળકોનું વજન ઊંચાઈની સરખામણીમાં ઓછું છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ આ મુદ્દાની ભયાવહતાને દર્શાવી ચૂક્યું છે. જેમાં કુલ 19.3 ટકા બાળકો અને બાળકીઓ આ શ્રેણીમાં આવે છે. આ ઉપરાંત આપણા દેશમાં 35 ટકાથી વધુ અવિક્સિત બાળકો કુપોષણનો સામનો કરી રહ્યા છે. આ સંકટને પહોંચી વળવા કેન્દ્રમાં દેશભરમાં ફેલાયેલ 14 લાખ આંગણવાડી સુવિધાઓ છે, જેમાં લગભગ 10 કરોડથી વધુ બાળકો, નવજાત અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર પૂરો પાડે છે. જો કે આ ઉપાય કરવામાં ઓછા કર્મચારીઓ, વિતરણમાં વિસંગતી તેમજ મોનિટરિંગનો અભાવ જેવા કારણો બાધારુપ બનતા હોય છે. જે ધાર્યા કરતા ઓછું પરિણામ આપી સમગ્ર યોજનાનો પ્રભાવ ઓછો કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો સાચા પડ્યાઃ નવા ભારતની બુલંદ ઈમારતનો પાયો એક સ્વસ્થ નાગરિક છે, અને આ ત્યારે જ શક્ય બને જ્યારે દરેકને પૌષ્ટિક ભોજન મળી રહેશે. આ પ્રકારે સરકારે નક્કર ઉપાયો અજમાવવા પડશે. ખાદ્ય અને પોષણ યોજનાઓ નિષ્પેક્ષ અમલી બનાવવી જોઈએ. તેની સાથે ભ્રષ્ટાચારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આપણા દેશની ભાવી પેઢીમાં પ્રાણ શક્તિ અને પોષણનો સંચાર કરવામાં અસફળતા હકીકતમાં આપણા દેશના ભવિષ્ય માટે ખતરાજનક છે.