ન્યૂઝ ડેસ્ક : પોતાના અહેવાલમાં 15મા નાણા પંચે પોતાને કોરોના સંકટમાં ઘેરાયેલા નાણા પંચ તરીકે વર્ણવ્યું છે. તેનો અહેવાલ સૂચિત કરવામાં આવેલા મુદ્દાઓના આધારે જ છે અને મોદી સરકારે જે મર્યાદાઓ બાંધી આપી હતી તેની આસપાસ જ ફરી રહ્યો છે. નાણા પંચે 2011ની વસતિ ગણતરીને આધાર બનાવીને અહેવાલ આપ્યો છે. તેના કારણે તામિલનાડુ સિવાયના બાકીના દક્ષિણ ભારતના રાજ્યોને 16,640 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે. વસતિના આધારે ગણતરી કરવાની આવી ખોટી રીતના કારણે 2021થી 2026 સુધીમાં આ રાજ્યોને 94,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવો અંદાજ છે.
14મા નાણા પંચમાં મહેસૂલમાંથી 42 ટકાનો હિસ્સો રાજ્યોને આપવા માટેની ભલામણ કરી હતી. આ રીતે થયેલી ફાળવણીના પુનઃમૂલ્યાંકન માટે કેન્દ્ર સરકારે અરજ કરી હતી. તેને ધ્યાનમાં લઈને પંચે 41 સ્રોતો રાજ્યના ફાળે રાખ્યા અને એક ટકો જમ્મુ અને કાશ્મીર તથા લદાખના કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યોની ફરિયાદ છે કે ફાળવણી 42 ટકાની કરવામાં આવી છે, પણ વાસ્તવમાં તેમને 35 ટકા હિસ્સો જ મળે છે. રાજ્યોએ માગણી કરી હતી કે રાજ્યોના હિસ્સો વધારીને 50 ટકા કરી દેવો જોઈએ, પણ તે માગણી બહેરા કાને અથડાઈ છે.
નાણા પંચ જણાવે છે કે આગામી પાંચ વર્ષમાં રાજ્યોને ભારતના સંયુક્ત ભંડોળમાંથી 52.41 લાખ કરોડ રૂપિયા મળશે. તેની સામે કેન્દ્ર સરકાર એવું કહી રહી છે કે 1.8 લાખ કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિશે તે નવેસરથી વિચારણા કરી રહી છે અને યોગ્ય વિચારણા બાદ જ તે ગ્રાન્ટ અપાશે. આ અભિગમ સંઘભાવનાની બિલકુલ વિરુદ્ધ છે.
એ યાદ રાખવું જોઈએ કે 2015ની સાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “અમે માનીએ છીએ કે રાજ્યોને પોતાના કાર્યક્રમો અને યોજનાઓ વધારે મજબૂત નાણાકીય સ્થિતિ અને સ્વાયત્તતા સાથે તથા નાણાકીય વિવેક અને શિસ્ત સાથે ઘડવાની મંજૂરી મળવી જોઈએ. અમે એ બાબતમાં સ્પષ્ટ છીએ કે આવી સ્વાયત્તતા વિના સ્થાનિક વિકાસની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે તેમ નથી. વંચિત સમુદાયો અને પછાત વિસ્તારોને મુખ્યધારામાં લાવવાનું તેના વિના શક્ય નથી”.
ભંડોળની ફાળવણી અને ફરજ બજવણી એ બંને વચ્ચે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઘણું અસંતુલન છે, તેનો સ્વીકાર કરવાની સાથે નાણા પંચે એવું કહ્યું કે સ્રોતો ઊભા કરવાની સત્તા બંધારણે કેન્દ્રને આપી છે અને ઊંચો વ્યય થવાનો હોય તેની જવાબદારી રાજ્યો પર નાખેલી છે. પંચે એવું પણ જણાવ્યું હતું કે62.7 નાણાકીય સ્રોતો પર કેન્દ્ર સરકારનો કબજો છે, જ્યારે ખર્ચની બાબતમાં તેના પર માત્ર 37.6 ટકાની જ જવાબદારી છે. તેની સામે રાજ્યો પાસે માત્ર 37.6 ટકા સ્રોતો છે અને 62.4 ટકાના વહિવટી ખર્ચની જવાબદારી રાજ્યો પર છે.
આ પરિસ્થિતિની જાણ હોવા છતાં કેન્દ્રનો આગ્રહ છે કે સંરક્ષણ તથા આંતરિક સુરક્ષાનો ખર્ચ ભારતના સંયુક્ત ભંડોળમાંથી કરવામાં આવે. તેનો અર્થ એ થયો કે આ બાબતમાં થતા ખર્ચમાં રાજ્યોએ પણ હિસ્સો આપવો પડે. નાણા પંચે જણાવ્યું હતું કે કેન્દ્રના આ સૂચનને સ્વીકારતા પહેલાં બંધારણીય નિષ્ણાતોનો અભિપ્રાય લેવો જરૂરી છે. આમ છતાં પ્રથમ વાર કેન્દ્ર સરકારે રાજ્યોની ફાળવણીમાં એક ટકાનો ઘટાડો કરીને તે નાણાં સંરક્ષણ ખર્ચ માટે ફાળવી દીધા છે. કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી પોલીસ તંત્રના આધુનિકીકરણ માટે નાણાં ફાળવાતા હતા. છેલ્લા થોડા વર્ષોથી તે ફાળવણી પણ બંધ કરી દેવાઈ છે. એ એક રહસ્ય છે કે કેન્દ્ર સરકાર શા માટે રાજ્યોના હિસ્સાને આવી બાબતમાં ઓછી કરી રહી છે.
કેન્દ્ર સરકાર વધુ ને વધુ સેસ નાખી રહી છે, કેમ કે સેસની આવકમાંથી રાજ્યોને હિસ્સો આપવો પડતો નથી. રાજ્યો તરફથી વધુ ફાળવણીની માગણી થઈ રહી છે તેને પણ તડકે મૂકવામાં આવી રહી છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર થયેલી યોજનાઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. આવી યોજનાની સંખ્યા 30થી વધીને 35 થઈ છે અને કેન્દ્રની પોતાની યોજનાઓ 685થી વધીને 704 થઈ ગઈ છે. જીએસટીને લાગુ કરવા સાથે જ વેરાની આવકમાં રાજ્યોનો હક બહુ મર્યાદિત થઈ ગયો છે. તેના કારણે રાજ્યોએ આવક માટે કેન્દ્ર સરકાર સમક્ષ આજીજી કરવા સિવાય કોઈ આરો રહી ગયો નથી. દુખની વાત એ છે કે 15મા નાણા પંચમાં પણ આ બાબતમાં કોઈ ઉકેલ આવ્યો નથી.