કોલંબોઃ એશિયા કપ 2023ની સુપર-4 મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે આર પ્રેમદાસા સ્ટેડિયમ કોલંબોમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાયેલી એશિયા કપના ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આજની મેચમાં વરસાદની સંભાવના છે, પરંતુ સારી વાત એ છે કે આજની મેચ માટે 11મી સપ્ટેમ્બરને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો આજે વરસાદના કારણે રમત બંધ થશે તો આવતીકાલે ફરીથી તે જ જગ્યાએથી રમત શરૂ થશે. આજની મેચમાં ભારતની મજબૂત બેટિંગ લાઇન અપ પાકિસ્તાનના શક્તિશાળી પેસ આક્રમણનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થશે. આ શાનદાર મેચ જીતવા માટે બંને ટીમો પોતાની પૂરી તાકાત લગાવશે. સુપર-4 તબક્કામાં ભારતની આ પ્રથમ મેચ છે, જ્યારે પાકિસ્તાને પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવીને મહત્વપૂર્ણ 2 પોઈન્ટ મેળવ્યા હતા.
ભારતે કર્યા બે ફેરફાર : ભારતે પાકિસ્તાન સામે તેના અંતિમ પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. પ્લેઇંગ-11માં શ્રેયસ ઐયરની જગ્યાએ કેએલ રાહુલ અને મોહમ્મદ શમીની જગ્યાએ જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઈંગ-11 ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ : ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફનો સમાવેશ કરવામાં આવ્યો છે.