નવી દિલ્હી : સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માગણી કરતી અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ અને ન્યાયાધીશ સંજય કિશન કૌલ, એસ રવિન્દ્ર ભટ, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 11 મે, 2023ના રોજ આ કેસમાં પક્ષકારોને 10 દિવસ સુધી સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો.
અરજદારોના મોભાદાર વકીલો : આ કેસમાં 20થી વધુ અરજદારો વતી વકીલે દલીલો કરી હતી. મુકુલ રોહતગી, નીરજ કિશન કૌલ, એએમ સિંઘવી, મેનકા ગુરુસ્વામી, કે.વી. વિશ્વનાથન (હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે પદ ઉન્નત), આનંદ ગ્રોવર અને સૌરભ કિરપાલ સહિત અનેક વરિષ્ઠ વકીલો અરજદારો માટે હાજર થયા હતાં. અરજદારોએ દલીલ કરી હતી કે સમલૈંગિક લગ્નને માન્યતા ન આપવી એ સમાનતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગૌરવના અધિકારોનું ઉલ્લંઘન છે.
અરજીકર્તાઓની દલીલોનો વિરોધ : મે મહિનામાં સુપ્રીમ કોર્ટેે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાના મુદ્દા અને અરજીઓથી ઉદ્ભવતા કાનૂની અને સામાજિક પ્રશ્નો પર વિચારણા કરવા માટે ખૂબ જ લાંબી સુનાવણી યોજી હતી. કેન્દ્રએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે અરજદારોની અરજીને મંજૂરી આપવાથી વ્યક્તિગત કાયદાના ક્ષેત્રમાં પાયમાલી થશે. કેન્દ્ર સરકારે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ મુદ્દો માત્ર વિધાનસભા દ્વારા જ સંભાળી શકાય છે કારણ કે તેની વ્યાપક અસરો હશે. કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને આસામે સમલૈંગિક લગ્ન માટે કાનૂની મંજૂરી માંગતી અરજીકર્તાઓની દલીલોનો વિરોધ કર્યો છે.
સ્પેશિયલ મેરેજ એક્ટમાં પુનઃ અર્થઘટનની માગ : અરજદારોએ દલીલ કરી હતી કે તેઓ સમલૈંગિક લગ્ન માટે કાનૂની માન્યતા ઇચ્છે છે અને કોર્ટને સ્પેશિયલ મેરેજ એક્ટ (SMA) 1954ની જોગવાઈઓનું પુનઃ અર્થઘટન કરવા જણાવ્યું હતું. અરજદારોએ એવી પણ દલીલ કરી હતી કે તેમના સંઘને ગૌરવ પ્રદાન કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવી શકાય છે અને સર્વોચ્ચ અદાલતે સામાજિક સુરક્ષા અને અન્ય કલ્યાણ લાભો માટે સમુદાયની પહોંચ માટે યોગ્ય નિર્દેશો પણ પસાર કરવા જોઈએ.