નવી દિલ્હીઃ બુધવારે સુપ્રીમ કોર્ટે 25 સપ્ટેમ્બરના આદેશને રદ કરવાનો ઈન્કાર કર્યો. આ આદેશમાં તમિલનાડુ સરકારને આગમિક પરંપરાથી શાસિત મંદિરોમાં પૂજારી અથવા અર્ચકોની નિમણુકમાં દખલ ન કરવા જણાવાયું હતું.
ન્યાયાધીશ એ. એસ. બોપન્ના અને ન્યાયાધીશ એમ એમ સંદર્શની સંયુકત બેન્ચ તમિલનાડુ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોક્ટ દુષ્યંત દવેની દલીલ સાથે સહમત થઈ નહતી. એડવોકેટ દવેએ દલીલ કરી હતી જેમાં તમિલનાડુ સરકારને મંદિરમાં પૂજારીના નિમણુકનો હક છે તેવું કહેવામાં આવ્યું હતું. પૂજારી અને અર્ચકોની નિમણુક એક ધર્મનિરપેક્ષ કાર્ય છે. રાજ્ય સરકારને તેમની નિમણુકનો અધિકાર હોવો જોઈએ.
સંયુક્ત બેન્ચે કહ્યું કે, રાજ્ય સરકાર એક ખાસ ધર્મના મંદિરોમાં પૂજારી તેમજ અર્ચકોની નિમણુકમાં આગમ પરંપરાઓ અંતર્ગત પ્રક્રિયાઓનું પાલન કરતી નથી. આગમ હિન્દુઓના તાંત્રિક સાહિત્યનો સંગ્રહ છે જેમાં શૈવ, વૈષ્ણવ અને શાક્ત એમ કુલ ત્રણ મુખ્ય શાખાઓ છે. સુપ્રીમ કોર્ટમાં આ પૂજારીની નિમણુંક માટેની વંશાનુગત યોજનાઓમાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી રહી છે તેવી અરજી પર સુનાવણી થઈ હતી.
તમિલનાડુ સરકાર અર્ચક બનાવા માટે એક વર્ષનો સર્ટિફાઈડ કોર્ષ ચલાવે છે ત્યારબાદ લોકોને અર્ચક બનવાની પરવાનગી આપે છે. સંયુક્ત બેન્ચે 25મી સપ્ટેમ્બરે અર્ચકોની નિમણુકમાં વર્તમાનમાં ચાલી રહેલી પ્રક્રિયાને યોગ્ય ઠેરવી હતી. આ આદેશ બાદ રાજ્યભરના મંદિરોમાં સરકાર તરફથી પૂજારી અને અર્ચકોની 2405 ભરતીની અરજીઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ વિષયમાં આગામી સુનાવણી માટે 25 જાન્યુઆરી, 2024 તારીખ નક્કી કરી છે.
આ સાથે જ અદાલતે જણાવ્યું કે આ પ્રકારના કોઈ પણ મુદ્દે મદ્રાસ હાઈ કોર્ટમાં ચાલતી કાર્યવાહી પર રોક નહીં લગાવે. સંયુક્ત બેન્ચે કહ્યું કે હાઈ કોર્ટને જણાવી દો કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
રાજ્ય સરકારે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટના આદેશને રદ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત મંદિરોમાં પાળવામાં આવતા આગમોના અભ્યાસ કરનાર પરિચિત વ્યક્તિઓની પસંદગી નિયમ 7 અને નિયમ 9 અંતર્ગત ભરતીની મંજૂરી રાજ્ય સરકારને આપવામાં આવે.