નવી દિલ્હીઃ પૂર્વ લોકસભા સદસ્ય અતીકની 15 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અતીકના બહેન શાહીન અહમદે મૃતકના બંને સગીર પુત્રોની મુક્તિ માટે અરજી કરી છે. અત્યારે અતીકના બંને પુત્રો બાળ કલ્યાણ ગૃહમાં છે. અતીકના બંને પુત્રોની ઉંમર 15 અને 17 વર્ષની છે.
અતીકના બહેનની અરજીઃ ન્યાયાધીશ એસ.આર. ભટ્ટ અને ન્યાયાધીશ અરવિંદ કુમારની સંયુક્ત બેન્ચે બાળ કલ્યાણ સમિતિને અતીકના પુત્રોને છોડવાના નિર્ણય સંદર્ભે આદેશ કર્યો છે. અતીકની બહેર શાહીન અહમદના વકીલ નિઝામ પાશાએ કોર્ટને જણાવ્યું કે બંને પુત્રોમાંથી એક પુત્ર બહુ જલ્દી પુખ્તવયનો થઈ જશે. તેથી તેને કલ્યાણ ગૃહમાં રાખી શકાય નહીં. આ બાળકોને તેમના સગાના ઘરે રહેવાની પરવાનગી આપવામાં આવે.સંયુક્ત બેન્ચે બધી જ દલીલોને સાંભળી અને એક અઠવાડિયાની અંદર રિપોર્ટ માંગ્યો છે. આ દરમિયાન શાહીન અહમદની અરજીને પેન્ડિંગ રાખવામાં આવશે.
સગાના ઘરે રહેવા વિનંતીઃ સુપ્રીમ કોર્ટમાં શાહીન અહમદની અરજી પર સુનાવણી થઈ રહી હતી. અરજીમાં 15 અને 17 વર્ષના બે પુત્રો સગાના ઘરે રહી શકે તેવી મંજૂરી માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે બંને સગીર બાળકો બાળ કલ્યાણ ગૃહમાં રહેવાનું પસંદ કરતા નથી. સુપ્રીમે બાળ કલ્યાણ સમિતિને નવેસરથી વિચારવા માટે કહ્યું છે. વિચાર કરીને નિર્ણય કરવા માટે સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. 60 વર્ષિય અતીક અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલના રોજ 3 લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. આ ગોળીબાર પોલીસ જ્યારે અતીક અને અશરફને મેડિકલ ચેકઅપ માટે લઈ જતી હતી ત્યારે બની હતી.