વિશાખાપટ્ટનમ : એક અનાથ છોકરીએ ફરિયાદ કરી છે કે જ્યારે તે આશ્રમમાં જોડાઈ ત્યારે પૂર્ણાનંદ સ્વામીજીએ બે વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના વિશાખાના જ્ઞાનાનંદ આશ્રમમાં બની હતી જ્યારે આ કેસ વિજયવાડામાં નોંધાયો હતો. પોલીસે આ ફરિયાદ પર કાર્યવાહી કરતાં જવાબમાં સોમવારે મધરાતે પૂર્ણાનંદ સ્વામીજીની ધરપકડ કરી હતી.
અનાથ થતાં આશ્રમમાં મોકલાઇ : સગીર પીડિતાના જણાવ્યા અનુસાર તે રાજમહેન્દ્રવાડાની છે અને તેના માતાપિતાનું નાની ઉંમરે મૃત્યુ થયું હતું. પરિણામે સગાસંબંધીઓએ સગીરાનેે પાંચમા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યાં બાદ બે વર્ષ પહેલા વિશાખાના ન્યુ વેંકોજીપાલેમ સ્થિત જ્ઞાનાનંદ આશ્રમમાં મોકલી હતી.
દુષ્કર્મ અને ત્રાસની ફરિયાદ : પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આશ્રમના સંચાલક પૂર્ણાનંદ સ્વામીજી છોકરીને ગાયોને ખવડાવવા અને છાણ એકઠું કરવા જેવા કામો કરાવતા હતા. મધ્યરાત્રિ પછી તે સગીરાને રૂમમાં લઈ જતાં હતાં અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એક વર્ષ સુધી પીડિતાને તેના રૂમમાંપગમાં સાંકળો બાંધી રાખવામાં આવી હતી. જો તે પ્રતિકાર કરે તો તેને મારવામાં આવતો હતો. બે ચમચી ચોખા પાણીમાં ભેળવીને માત્ર તેને ખોરાક તરીકે આપવામાં આવતાં હતાં. તેનેે બે અઠવાડિયામાં માત્ર એક જ વાર સ્નાન કરવા દેવાતું હતું અને તેને ટોયલેટ માટે પણ જવા દેવાતી ન હતી. તેણે બધી વસ્તુઓ ડોલમાં જ કરવી પડતી હતી. સગીરાએ જણાવ્યા અનુસાર આવો ત્રાસનો તે બે વર્ષ સુધી ભોગ બનતી રહી હતી.
નોકરાણીની મદદથી ભાગી : આ પૃષ્ઠભૂમિમાં પીડિત સગીરા આ મહિનાની 13 તારીખે નોકરાણીની મદદથી આશ્રમમાંથી ભાગી ગઈ હતી. તે તિરુમાલા એક્સપ્રેસમાં બેસી ગઇ હતી અને તેણે એક પેસેન્જરને પોતાની વીતક વિશે જણાવ્યું હતું. જેને પગલે બે દિવસ પહેલા મહિલાએ તેને કાંકીપાડુ કૃષ્ણા જિલ્લાની એક હોસ્ટેલમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચાઈલ્ડ વેલફેર કમિટીને જણાવી વીતક : જોકે હોસ્ટેલ સંચાલકોએ મહિલાને કહ્યું કે જો તેઓને પોલીસ સ્ટેશનમાંથી પત્ર મળે તો જ સગીરાને પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવશે. તેથી તેઓ કાંકીપાડુ પોલીસ સ્ટેશન ગયાં હતાં.. પોલીસ દ્વારા આપવામાં આવેલ પત્રને લઈને સગીરાને ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC)માં લઈ જવામાં આવી હતી. જ્યાં આ સગીરાએ વિશાખાના જ્ઞાનાનંદ આશ્રમમાં અનુભવેલી નરક સમાન સ્થિતિનું વર્ણન કર્યું હતું.
પોકસો કેસ નોંધવામાં આવ્યો : આ પછી CWC સભ્યોએ સગીરાનેે વિજયવાડાના દિશા પોલીસ સ્ટેશન મોકલી હતી અને પૂર્ણાનંદ સ્વામીજી વિરુદ્ધ પોકસો કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં તેણીને મેડિકલ તપાસ માટે વિજયવાડા જૂની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
આરોપી સ્વામીની ધરપકડ સગીરા ગાયબ : બીજી તરફ વિશાખા પોલીસે પૂર્ણાનંદ સ્વામીની ધરપકડ કરી હતી. પૂર્ણાનંદ સ્વામીએ કહ્યું કે કેટલાક લોકો આશ્રમની જમીન પર અતિક્રમણ કરવા માગે છે અને આ મામલો ષડયંત્રનો એક ભાગ છે. તેમણે કહ્યું કે તેઓ આ મામલામાં કાનૂની લડાઈ લડશે. આ તરફ, આ મહિનાની 15મી તારીખે આશ્રમના સંચાલકોએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના આશ્રમમાં રહેતી સગીરા ગાયબ થઈ ગઈ છે.