નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રામ નવમી દરમિયાન થયેલી હિંસા અંગે મંગળવારે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી હતી અને રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને હાવડાના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંની સમીક્ષા કર્યાના દિવસો પછી આ પગલું આવ્યું છે.
રામનવમીમાં થઇ હતી અથડામણ : સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે હાવડામાં રામ નવમી દરમિયાન થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે 30 માર્ચે આ તહેવાર દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હાવડામાં હિંસાના સંબંધમાં 30 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમિત શાહને પત્ર લખવામાં આવ્યો : પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડા સુકાંત મજુમદારે રવિવારે રામ નવમીની ઉજવણી દરમિયાન રાજ્યમાં થયેલી હિંસા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને બીજો પત્ર લખ્યો તે પછી MHAનું પગલું આવ્યું છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં બંગાળમાં હિંસા અંગે શાહને મજમુદારનો આ બીજો પત્ર હતો.
પત્રમાં શું લખાણ કરાયું : મજમુદારે શાહને લખેલા પત્રમાં લખ્યું છે કે 'હાવડા અને દાલખોલામાં રામનવમીના શોભાયાત્રાઓ પર થયેલા સાંપ્રદાયિક હુમલા અંગે 31 માર્ચના મારા અગાઉના પત્રના અનુસંધાનમાં જણાવવામાં આવે છે કે હુમલા હજુ અટક્યા નથી અને પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં થઈ રહ્યા છે. રવિવારે, હુગલી જિલ્લાના રિશ્રામાં રામ નવમીની શોભાયાત્રા પર બીજો હુમલો થયો હતો, જેમાં ભાજપના સાંસદ અને અખિલ ભારતીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ ભાગ લઈ રહ્યા હતા.
હિંસા અંગે અહેવાલ માંગવામાં આવ્યો : બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં પોલીસે પ્રતિબંધિત આદેશોને ટાંકીને મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્ય એકમના પ્રમુખ સુકાંત મજુમદારને સતત બીજા દિવસે હુગલી જિલ્લાના રમખાણ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેતા અટકાવ્યા હતા. હુગલી જિલ્લામાં ઘણા સ્થળોએ ફોજદારી કાર્યવાહી (CrPC) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ છે, જ્યાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.
પોલિસે આપી માહિતી : પોલીસે જણાવ્યું કે રિસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે રામ નવમીના સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજી સરઘસ પર રવિવારે સાંજે લગભગ 6.15 વાગ્યે જીટી રોડ પર વેલિંગ્ટન જ્યુટ મિલ ટર્ન પાસે હુમલો કરવામાં આવ્યો હતો.