- રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે
- હોકીના જાદૂગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનના નામે રાખવાનો નિર્ણય કર્યો
- વડાપ્રધાને ટ્વીટ કરી આપી જાણકારી
નવી દિલ્હી: રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદના નામે આપવામાં આવશે. પીએમ મોદીએ આ સંદર્ભે ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય હોકી ટીમના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો અને ટ્વિટ કર્યું, 'પુરુષ અને મહિલા હોકી ટીમના અસાધારણ પ્રદર્શનએ અમારા સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે.'
આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી મહિલા હોકી ટીમની કરી પ્રસંશા
ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કહેવામાં આવશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામ પર ખેલ રત્ન એવોર્ડ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. હું તેમના વિચારો માટે તેમનો આભાર માનું છું. તેમણે લખ્યું કે, લોકોની ભાવનાઓનું સન્માન કરીને ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કહેવામાં આવશે.
મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી ખેલાડીઓમાંથી એક છે
વડાપ્રધાને કહ્યું કે, મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી ખેલાડીઓમાંથી એક છે, જેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે. તે સાચું છે કે, આપણા દેશનું સર્વોચ્ચ રમત સન્માન તેમના નામ પર રાખવામાં આવશે.
શું છે એવોર્ડ?
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવાની શરૂઆત વર્ષ 1991 માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર આખા વર્ષ દરમિયાન ખેલાડીના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે છેલ્લા ત્રણ દાયકાથી આપવામાં આવતો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદ તરીકે જાણીતો થશે. અત્યાર સુધી ખેલ રત્ન પુરસ્કારના વિજેતાને સન્માનમાં મેડલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મળતો રહ્યો છે.
યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ ખેલ રત્ન પુરસ્કાર અંગે નિર્ણય લે છે
યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ ખેલ રત્ન પુરસ્કાર અંગે નિર્ણય લે છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દર વર્ષે ખેલાડીઓની સિદ્ધિઓનું સન્માન કરવા અને ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો- Tokyo Olympics Day 15: આ ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર
વર્ષ 2020માં આપવામાં આવેલા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
ક્રિકેટર રોહિત શર્મા
ભારતીય ક્રિકેટર રોહિત શર્મા વનડે મેચ ફોર્મેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. તે વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર (264) નો રેકોર્ડ પણ ધરાવે છે.
મહિલા હોકી ટીમની કેપ્ટન રાની
રાની રામપાલે 200થી વધુ આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમી છે. તેના નામે ઘણા રેકોર્ડ છે. 2010માં એશિયાઇ રમતોમાં રાની રામપાલે સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ રાની એશિયન હોકી ફેડરેશનની ઓલ સ્ટાર ટીમમાં શામેલ થઇ હતી. ગયા વર્ષે ખેલ રત્ન એવોર્ડ મળ્યા સુધી 240 મેચ રમી ચૂકેલી રાની 118 ગોલ કરી ચૂકી હતી. તેના નેતૃત્વમાં ભારતે ગયા વર્ષે FIH શ્રેણીની ફાઇનલ જીતી હતી. રાનીના નેતૃત્વમાં ભારતની મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. આ સિવાય ભારતે આજ સુધીનું શ્રેષ્ઠ રેન્કિંગ પણ હાંસલ કર્યું છે.
પેરા એથ્લીટ મરિયપ્પન થંગાવેલુ
પેરા એથ્લીટ મરિયપ્પને 2016 રિયો પેરાલિમ્પિક્સની હાઇ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મરિયપ્પને 2019 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મરિયપ્પનને 2017 માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા
2018 ની કોમનવેલ્થ ગેમ્સમાં મનિકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મહિલા વ્યક્તિગત અને ટીમ સ્પાર્ટામાં ગોલ્ડ મેડલ સાથે કુલ ચાર મેડલ જીત્યા હતા. જકાર્તામાં યોજાયેલી 2018 એશિયન ગેમ્સમાં મનિકા બત્રાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ મિશ્રિત ડબલ્સમાં પ્રાપ્ત થયો હતો.
પહેલવાન વિનેશ ફોગાટ
ફોગાટે 2018 કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય વિનેશ ફોગાટે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
આ પણ વાંચો- Tokyo Olympics (Hockey): ભારત એક ગોલથી બ્રોન્ઝ ચૂકી ગયું, પણ લાખોના દિલ જીતી ગયા
હોકીમાં 30 વર્ષમાં ત્રણ લોકોને મળ્યું સમ્માન
રાજીવ ગાંધી ખેલ રત્ન હોકીમાં અત્યાર સુધી માત્ર ત્રણ ખેલાડીઓને મળ્યો છે. જેમાં વર્ષ 1999-2000માં ઉલ્લેખનિય પ્રદર્શન કરનારા દિગ્ગજ હોકી ખેલાડી ધનરાજ પિલ્લેને સૌપ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હોકી ખેલાડીઓને ખેલ રત્ન માટે ઘણી રાહ જોવી પડી હતી. વર્ષ 2017માં સરદાર સિંહને પણ રાજીવ ગાંધી ખેલ રત્નથી નવાજવામાં આવ્યા હતા.
2020 માટે કેપ્ટન રાની રામપાલની પસંદગી કરાઇ હતી
2020 માટે મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી.