રાજસ્થાન : રાજસ્થાનમાં નવા રચાયેલા ડીડવાના-કુચામન જિલ્લાના બાંઠડી ગામ નજીક જાહેર પરિવહન બસ અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી.. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને મૃતદેહોને બાંગડ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યાં હતા. બે ઘાયલ વ્યક્તિઓને સઘન સારવાર માટે જયપુર ખસેડવામાં આવ્યાં છે.
ઘટનાસ્થળે જ 7 લોકોના મોત : પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના નવા બનેલા ડીડવાના-કુચામન જિલ્લાના બાંઠડી ગામમાં સ્થિત તિતરી ચાર રસ્તા પર થઈ હતી. કારમાં સવાર તમામ લોકો નાગૌરમાં એક શોભાયાત્રામાં ભાગ લઈને પાછા સીકર જઈ રહ્યા હતા. આ દરમિયાન બાંઠડી ગામના તિતરી ચાર રસ્તા પાસે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે તમામ મૃતકો અને ઘાયલો સીકર જિલ્લાના છે. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીડવાના ધારાસભ્ય ચેતન ડુડી, કલેક્ટર સીતારામ જાટ ડીડવાનાની બાંગડ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જિલ્લા કલેક્ટર સીતારામ જાટે જણાવ્યું કે બાંઠડી ગામ પાસે આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે.
કારના ફુરચેફુરચા ઉડી ગયા : તેમણે કહ્યું કે મૃતકોના સંબંધીઓને માહિતી આપવામાં આવી છે. સંબંધીઓ આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કલેક્ટરે કહ્યું કે મૃતકના સ્વજનોને જે પણ મદદ કરી શકાશે તે કરવામાં આવશે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ખાનગી બસ સાથેની અથડામણમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતાં. ટક્કર બાદ કાર લગભગ 3 થી 4 રાઉન્ડ પલટી મારી 20 ફૂટ દૂર જઇ પડી હતી. અકસ્માત દરમિયાન કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.
અકસ્માત થતાં ચીસાચીસ મચી : જ્યાં આ માર્ગ અકસ્માત થયો છે, ત્યાં નજીકમાં કેટલાક મકાનો અને દુકાનો છે. જેથી અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી અને ચીસાચીસ મચી હતી. આસપાસના લોકોએ ઘટના અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.