- વિપક્ષ સંસદની બહાર સમાંતર સંસદ ચલાવવાના મૂડમાં
- રાહુલ ગાંધીએ તમામ વિપક્ષી સાંસદોને ચા-નાસ્તા માટે બોલાવ્યા
- સંસદની રણનીતિ અને વિપક્ષને એકજૂટ કરવા માટેની પહેલ
ન્યૂઝ ડેસ્ક : સંસદના મોનસૂન સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને પેગાસસ જાસૂસી વિવાદ અને ખેડૂતોના મુદ્દે વિપક્ષ સરકારને પૂરી તાકાતથી ઘેરી રહ્યું છે. સંસદમાં હોબાળાથી ગૃહની કાર્યવાહી પણ સરખી રીતે ચાલી રહી નથી. આ વચ્ચે એવી માહિતી મળી રહી છે કે, વિપક્ષ સંસદના બહાર સમાંતર સંસદ ચલાવવાના મૂડમાં છે.
વિપક્ષને એકજૂટ કરવા રાહુલ ગાંધીની પહેલ
રાહુલ ગાંધીએ આવતીકાલે મંગળવારે સવારે 9:30 કલાકે તમામ વિપક્ષી સાંસદોને દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં ચા-નાસ્તા માટે બોલાવ્યા છે. જેમાં રાજ્યસભા અને લોકસભાના તમામ વિપક્ષી સાંસદો અને ફ્લોર લીડર્સને બોલાવવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંસદમાં આગળની રણનીતિ અને વિપક્ષને એકજૂટ કરવા માટે રાહુલ ગાંધીની આ પહેલ છે.