બેંગાલુરૂઃ કર્ણાટક નવ નિર્માણ સેનાના કાર્યકરોએ બેંગાલુરુ એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો છે. તેમણે એરપોર્ટ પર પ્રવેશવા માટે ઈન્ડિગોની સવારે 09.50 કલાકની ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી હતી. તેમણે વિમાનમાં દાખલ થયા પછી વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. જેના પરિણામે ફ્લાઈટ અને એરપોર્ટ પર પોલીસ કાફલો ધસી આવ્યો હતો. પોલીસે સમગ્ર સ્થળને કોર્ડન કરી લીધું હતું અને વિરોધ પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી લીધી હતી.
41 ફ્લાઈટ્સ રદઃ બેંગાલુરુ એરપોર્ટ પર કર્ણાટક નવ નિર્માણ સેનાના વિરોધના સમાચાર વાયરલ થઈ જતા હજારોની સંખ્યામાં બીજા કાર્યકર્તાઓ એરપોર્ટ પર ધસી આવ્યા હતા. તેમણે એરપોર્ટની બહાર રીતસરની ઘેરાબંધી કરી હતી. જેના પરિણામે પેસેન્જર્સ અને એરપોર્ટ સ્ટાફને એન્ટ્રી એક્ઝિટમાં તકલીફો થવા લાગી. આ પરિસ્થિતિને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કુલ 41 ફલાઈટ્સ રદ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, મેંગલોર સહિતની અનેક ફ્લાઈટ્સને રદ કરી દેવાઈ.
ટર્મિનલ 1ના ડિપાર્ચર ગેટને ઘેર્યુઃ KNSના કાર્યકર્તાઓ ટર્મિનલ 1ના ડિપાર્ટર ગેટનો ઘેરાવ કરી લેતા પેસેન્જર્સને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના પેસેન્જર્સને ઈમિગ્રેશન માટે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. મોટી સંખ્યામાં પેસેન્જર એકઠા થઈ જવાથી ડ્રોપ પોઈન્ટ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ડિપાર્ચર ગેટ પર દેખાવ કરતા 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધે છે. જેના પરિણામે ડિપાર્ચર ગેટમાંથી અવર જવર શક્ય બની શકે. અહીં કાર્યકર્તાઓ કન્નડ ધ્વજ હાથ લઈ સુત્રોચ્ચાર કરતા હતા. તેમણે કાવેરીના પાણી મુદ્દે પણ સુત્રોચ્ચાર કર્યા હતા. હાલ બેંગાલુરૂ એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં KSRPના જવાનો મોટી સંખ્યમાં એરપોર્ટ પર પહોંચીને તેને સુરક્ષિત કરી રહ્યા છે.
ટાઉન હોલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ દેખાવકારોને વિરોધ પ્રદર્શન બદલ ફ્રીડમ પાર્કમાં ધકેલાઈ દેવાયા છે. ફ્રીડમ પાર્ક ઉપરાંત શહેરના અનેક મહત્વના જાહેર સ્થળો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. શહેરના ટાઉન હોલ પાસે વિરોધ પ્રદર્શન અટકાવવા બેંગાલુરૂ સેન્ટ્રલ ડિવિઝન ડીસીપી શેખર ટેકન્નાવરની અધ્યક્ષતામાં 5 ટીમો તયનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે 15થી વધુ BMTC બસોને ટાઉનહોલની નજીક રોકી દેવામાં આવી છે. જો ટાઉન હોલ ખાતે દેખાવ પ્રદર્શન કારીઓની ધરપકડ થશે તો તેમને પણ ફ્રીડમ પાર્કમાં મોકલી આપવામાં આવશે.