ઓટાવા(કેનેડા): કેનેડાના વડાપ્રધાનને રાંડ્યા પછી ડહાપણ સુજ્યું છે. તેમણે કેનેડાની સંસદમાં યુક્રેન અગ્રણીને આમંત્રણ આપવા પર અને નાઝી સૈનિકને સન્માન આપવા પર નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાને કેનેડાની સંસદ અન કેનેડાના નાગરિકો માટે શરમજનક ગણાવી છે. તેમણે કેનેડિયન સંસદના સ્પીકરે આ મુદ્દે માફી માંગી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. જસ્ટિન ટ્રુડોએ એક ન્યૂઝ બ્રીફિંગમાં આ નિવેદન આપ્યા છે.
સીબીસી ન્યૂઝ રિપોર્ટઃ સીબીસી અનુસાર જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદ અને દરેક કેનેડિયન માટે આ ઘટનાને શરમજનક ગણાવી છે. તેમણે રશિયા પર કેનેડા વિરૂદ્ધ ખોટો પ્રચાર ન કરવાની ચેતવણી પણ આપી છે. રશિયા યુક્રેન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ હંમેશા કહેતા આવ્યા છે અમે નાઝીવાદનો સફાયો કરવા આ યુદ્ધ લડી રહ્યા છીએ. તેથી જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નાઝી સૈનિકના સન્માન બદલ સમગ્ર વિશ્વમાં દુષ્પ્રચાર ન ફેલાવવા ચેતવણી આપી છે.
નાઝી સૈનિકના સ્વાગતનો વિવાદઃ કેનેડાએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનની તરફેણ કરી છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે યુક્રેનના સમર્થન આપવાથી રશિયા ઉશ્કેરાયું છે. રશિયા કેનેડા વિરૂદ્ધ નાઝી સમર્થક હોવાનો દુષ્પ્રચાર સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યું છે. કેનેડાની સંસદના સ્પીકર દ્વારા આ સમગ્ર ઘટના મુદ્દે જાહેરમાં માફી માંગવામાં આવી છે. તેથી જો આ મામલે રશિયા જો દુષ્પ્રચાર ચાલુ રાખશે તો આ દુષ્પ્રચારનો પૂરજોશથી વિરોધ કરવામાં આવશે. તેમજ અમે યુક્રેને સમર્થન આપવાનું ભારપૂર્વક ચાલુ રાખીશું. કેનેડાની સંસદમાં યુક્રેન વડાપ્રધાન ઝેલેંસ્કીને સંબોધન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંબોધન બાદ એક 98 વર્ષીય સૈનિકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સૈનિકે નાઝી તરફથી લડાઈ લડી હોવાનું સામે આવ્યા બાદ વિવાદનો મધપુડો છેડાઈ ગયો હતો.
સ્પીકરના રાજીનામાની માંગઃ કેનેડાના વિપક્ષ નેતા પેરી પોલિવરે આ ઘટનાની ટીકા કરી હતી અને સ્પીકરે માફી માંગી તે પૂરતુ ન હોવાનું જણાવ્યું હતું. કેનેડાના અન્ય બે રાજકીય પક્ષોએ પેરી પોલિવરને સમર્થન આપ્યું છે. કેનેડામાં સ્પીકરે માફી માંગવાને બદલે રાજીનામુ આપી દેવું જોઈએ તેવી માંગણીઓ પર રાજકારણ ગરમાયું છે. જો કે કેનેડિયન સ્પીકર રોટાએ રાજીનામા મુદ્દે કોઈ આધિકારીક નિવેદન આપ્યું નથી. (ANI)