નવી દિલ્હીઃ દેશમાં ખાલીસ્તાની સમર્થકોનું જોર વધતું જાય છે. તાજેતરમાં રાજધાનીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં આવેલા ફ્લાય ઓવર પર ખાલીસ્તાન ચળવળના સમર્થનમાં સુત્રો લખવામાં આવ્યા હતા. ગુરુવારે પોલીસને જાણ થતાં જ પોલીસે સત્વરે કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ દરેક સુત્રોને ભૂંસી કાઢવામાં આવ્યા અને સમગ્ર મામલે FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ફ્લાયઓવર પર વિવાદાસ્પદ સુત્રોઃ નોર્થ દિલ્હીના એડિશનલ ડીસીપીએ ટેક્સ્ટ મેસેજના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે. ડીસીપીના અનુસાર દિલ્હી પોલીસને 27 સપ્ટેમ્બરના રોજ એક વીડિયો મળ્યો હતો. જેમાં કાશ્મીરી ગેટ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવરની દિવાલ પર વિવાદાસ્પદ સુત્રો લખવામાં આવ્યા હતા. આ વીડિયો ધ્યાને આવતા જ પોલીસે સત્વરે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજીસની તપાસ કરી રહી છે.
ખાલીસ્તાની ચળવળને ડામવા સરકાર એકશનમોડમાંઃ અત્યારે ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની ચળવળ મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે. ખાલીસ્તાની સમર્થક અને પ્રમુખ નિજ્જરની હત્યામાં કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા છે. આ આરોપનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના દરેક રાજ્યોની પોલીસ સુરક્ષા દળો, રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ખાલીસ્તાની સમર્થક અને મદદગારોના સ્થળો પર અનેક છાપામારી કરી આ ચળવળને ડામવાના પ્રયત્નો કરી રહ્યા છે.
અગાઉ પણ આવી જ ઘટના બની હતીઃ દિલ્હીમાં પીરાગઢી વિસ્તારમાં આવી જ એક ઘટના ઘટી હતી. જેમાં મેટ્રોની દિવાલ પર ખાલીસ્તાન ચળવળના સમર્થનમાં કેટલાક સુત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટનામાં પ્રતિબંધિત સંસ્થા 'શીખ ફોર જસ્ટિસ' પર આ સુત્રો લખવાનો આરોપ હતો. પોલીસે આ કેસમાં અનેક લોકોની અટકાયત પણ કરી હતી.