નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શનિવારે સ્વાતંત્ર્ય સેનાની પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને મહાન શિક્ષણવિદ્ અને સમાજ સુધારક ગણાવ્યા હતા. એક ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું કે, 'મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ અને સમાજ સુધારક મહામના પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ પ્રણામ.' પંડિત મદન મોહન માલવિયાનો જન્મ 25 ડિસેમ્બર 1861ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. વર્ષ 1909માં તેમણે કોંગ્રેસના લાહોર અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપનામાં (Establishment of BHU) પણ તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમને વર્ષ 2014માં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા હતા.
ગીતા અને ગાય પર વિશેષ ધ્યાન આપ્યું
સર્વ વિદ્યાની રાજધાની કહેવાતી બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક, ભારત રત્ન પંડિત મદન મોહન માલવિયાની આજે 160મી જન્મજયંતિ છે. આજે આખો દેશ ભારત માતાના આ મહાન સપૂતને યાદ કરી રહ્યો છે. મહામના સ્વાતંત્ર્ય સેનાની, વકીલ અને શિક્ષણવિદ તરીકે ઓળખાય છે. માલવિયાજીના જીવનનો હેતુ માનવ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણનો હતો. આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આખો દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ક્યાંક મહામનાએ આ અમૃત ઉત્સવ મનાવવાનો પાયો 1916માં જ નાંખ્યો હતો. મદન મોહન માલવિયાનો જન્મ 25 ડિસેમ્બર 1861ના રોજ પ્રયાગરાજમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમણે ઘણા ઐતિહાસિક કાર્યો કર્યા અને જીવનભર ભારત માતાની સેવા કરવાનું ચાલુ રાખ્યું. તેમણે ગીતા અને ગાય પર વિશેષ ધ્યાન આપ્યું હતું.
ભિક્ષામાંથી બનાવવામાં આવી છે એશિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી
એક તરફ દેશ ગુલામીની ઝપેટમાં હતો અને ઉપરથી વ્યાપક ભૂખમરો હોવા છતાં માલવિયાજીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરીને સાબિત કરી દીધું કે જો ઈરાદા ઉમદા હોય તો લાખો અવરોધો પછી પણ તેને પૂર્ણ થતા કોઈ રોકી શકતું નથી. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરીને તેમણે ભારતને એક એવી સંસ્થા આપી, જે યુગોથી દેશ પ્રત્યેના તેમના યોગદાનને યાદ કરાવતી રહી છે અને આગળ પણ તેમને યાદ કરાવતી રહેશે. પંડિત મદન મોહન માલવિયાએ ભિક્ષા માગીને આ આ યુનિવર્સિટી સ્થાપી હતી. સંકલ્પ સાથે પ્રયાગરાજથી નીકળેલા મહામાનાએ દેશના ખૂણે ખૂણે ભીખ માગીને આ એશિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી બનાવી હતી.
BHUનું માળખું
હાલમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં 16 સંસ્થાઓ, 14 ફેકલ્ટી અને 140 વિભાગો તેમજ ચાર આંતર- આનુવંશિક કેન્દ્રો છે. મહિલાઓ માટેની કોલેજ ઉપરાંત 13 શાળાઓ, ચાર સંબંધિત ડિગ્રી કોલેજો છે, યુનિવર્સિટીમાં 40,000 વિદ્યાર્થીઓ અને 3,000 શિક્ષકો છે.
'હું મહામનાનો પૂજારી છું': ગાંધીજી
દેશમાં આઝાદીની ચળવળ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બનારસ હિન્દુ યુનિવર્સિટીના શિલાન્યાસ સમારોહથી લઈને રજત સમારોહ સુધી યુનિવર્સિટીમાં આવ્યા હતા. પત્રમાં મહાત્મા ગાંધીએ લખ્યું હતું કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આવવું મારા માટે તીર્થયાત્રા જેવું છે. કારણ કે હું મહામાનનો પૂજારી છું.
વકીલ તરીકે મહામના
ભારત રત્ન પંડિત મદન મોહન માલવિયાએ વર્ષ 1893માં કાયદાની પરીક્ષા પાસ કરીને વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ચૌરી ચૌરા ઘટનાના આરોપીઓને ફાંસીની સજામાંથી બચાવવા તેની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. ચૌરી- ચૌરા ઘટનામાં 170 ભારતીયોને મોતની સજા ફટકારવામાં આવી હતી પરંતુ માલવિયાજીની બુદ્ધિમત્તાએ તેમની ક્ષમતા અને તર્કના જોરે 152 લોકોને ફાંસીની સજામાંથી બચાવ્યા હતા.
મહામાનનું રાજકીય કદ
સરદાર વલ્લભભાઈ પટેલની જેમ મદન મોહન માલવીય પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. તેમણે ચાર વખત એટલે કે 1909, 1918, 1932 અને 1933માં કોંગ્રેસ પાર્ટીનું સર્વોચ્ચ પદ સંભાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 1886માં કોલકાતામાં યોજાયેલા કોંગ્રેસના બીજા સત્રમાં મદન મોહન માલવિયાએ એવું પ્રેરક ભાષણ આપ્યું હતું કે તેઓ રાજકીય મંચ પર છવાઈ ગયા હતા. તેમણે લગભગ 50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી હતી. 1937માં સક્રિય રાજકારણને અલવિદા કર્યા પછી માલવિયાજીએ તેમનું સંપૂર્ણ ધ્યાન સામાજિક મુદ્દા પર કેન્દ્રિત કર્યું હતું.
એક પત્રકાર તરીકે માલવિયા
મદન મોહન માલવિયાએ 1885 અને 1907 વચ્ચે ત્રણ અખબારોનું સંપાદન પણ કર્યું હતું જેમાં હિન્દુસ્તાન, ભારત સંઘ અને અભ્યુદયનો સમાવેશ થાય છે. વર્ષ 1909 માં તેમણે 'ધ રીડર સમાચાર'ની સ્થાપના કરી અને અલ્હાબાદથી તેનું પ્રકાશન શરૂ કર્યું હતું.
મહામનાને 153મી જન્મજયંતિ પર ભારત રત્ન મળ્યો
ભારત માતાના આ મહાન પુત્રનું 12 નવેમ્બર, 1946ના રોજ અવસાન થયું હતું. 24 ડિસેમ્બર 2014ના રોજ તેમની 153મી જન્મજયંતિના એક દિવસ પહેલા ભારત સરકારે તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું કે આજથી ભારત રત્નનું સન્માન વધી ગયું છે. માલવીયજીના યોગદાનને યાદ કરતાં પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ કહ્યું કે ભારતમાં મેકોલે સંસ્કૃતિ ચાલી રહી હોવાથી ભારત ગુલામ હતું. ભારતના લોકોને ગુલામ બનાવવા માટે વિશેષ યોજનાઓ બનાવવામાં આવી રહી હતી. પંડિત મદન મોહન માલવિયાજીએ મેકોલેના સિદ્ધાંતને પડકાર્યો અને બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરીને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું.
આ પણ વાંચો: CHRISTMAS EVE CELEBRATION AT BELUR MATH: જાણો રામકૃષ્ણ મિશનના મઠોમાં શા માટે ઉજવવામાં આવે છે નાતાલ
આ પણ વાંચો: Tribute to Atal Bihari Vajpayee 2021: રાષ્ટ્રપતિ કોવિંદ, PM Modi સહિતના મહાનુભાવોએ અર્પણ કરી પુષ્પાંજલિ