જગદલપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના બસ્તરના મહેમાન બન્યા છે. તેમણે બસ્તમાં અંદાજિત 27 હજાર કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ છે. આ વિકાસકાર્યોમાં નગરનાર સ્ટીલ પ્લાન્ટ, અંતાગઢ અને તાડોકી વચ્ચે રેલવે લાઈન, જગદલપુર-દંતેવાડા, બોરીડાંડ-સૂરજપુર રેલવેલાઈનું નવિનીકરણ અને જગદલપુર રેલવે સ્ટેશનના નવિનીકરણનો સમાવેશ થાય છે.
વિક્સિત ભારતનું સ્વપ્નઃ વડાપ્રધાને વિક્સિત ભારતના સ્વપ્નને સિદ્ધ કરવા માટે દરેક પ્રદેશ, દરેક જિલ્લા અને દરેક ગામને વિક્સિત થવું આવશ્યક જણાવ્યું હતું. આ સંકલ્પને સાકાર કરવા માટે વડાપ્રધાને છત્તીસગઢના બસ્તરમાં 27 હજાર કરોડના વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યુ છે. વડાપ્રધાન જણાવે છે કે વિક્સિત ભારત માટે ફિઝિકલ, ડિઝિટલ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર ભવિષ્યને અનુરૂપ હોવું જોઈએ. અમારી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ટર બજેટને 6 ગણું વધારીને દસ લાખ કરોડ જેટલું કર્યુ છે.
સ્ટીલ ઉત્પાદન મહત્વનુંઃ વડાપ્રધાને સ્ટીલ ઉત્પાદનને મહત્વનું ગણાવ્યું છે. ભારત સ્ટીલ ઉત્પાદનમાં આત્મનિર્ભર બને તે માટે છેલ્લા 9 વર્ષમાં અનેક નિર્ણયો લેવાયા છે. છત્તીસગઢને આ નિર્ણયોનો સીધો લાભ મળી રહ્યો છે. જેમાં નગરનારમાં ભારતના સૌથી આધુનિક સ્ટીલ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. આ પ્લાન્ટમાં નિર્માણ પામતું સ્ટીલ ભારતના ઓટોમોબાઈલ, ડિફેન્સ મેન્યુફેકચરિંગ સેક્ટરને નવી ઊર્જા આપશે. બસ્તરમાં બનનારા સ્ટીલને પરિણામે આપણી સેના શક્તિશાળી બનશે અને ડિફેન્સ એક્સપોર્ટમાં ભારત પંકાશે. આ સ્ટીલ પ્લાન્ટને પરિણામે આસપાસના વિસ્તારના 50000 યુવાનોને રોજગાર મળશે. કેન્દ્ર સરકાર બસ્તર જેવા અનેક જિલ્લાના વિકાસ પર કાર્ય કરી રહી છે.હું બસ્તર સહિત છત્તીસગઢના યુવાનોને શુભેચ્છાઓ પાઠવું છું.
છત્તીસગઢનું રેલ બજેટ 20 ગણું વધાર્યુઃ જગદલપુરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષથી કેન્દ્ર સરકારનું વિશેષ ફોકસ કનેક્ટિવિટી પર રહ્યું છે. છત્તીસગઢને ઈકોનોમિક કોરિડોર અને હાઈવે મળ્યા છે. છત્તીસગઢનું રેલ બજેટ લગભગ 20 ગણુ વધારવામાં આવ્યું છે. આજે છત્તીસગઢમાં રેલવેની ઘણી યોજનાઓ કાર્યાન્વિત છે. છત્તીસગઢના તાડોકીને રેલવે નકશામાં સ્થાન મળ્યું નહતું. આજે તાડોકીને નવી રેલવેલાઈનની ભેટ મળી રહી છે. જેનાથી આદિવાસીઓને સુવિધા મળશે. કૃષિ અને જંગલ ઉત્પાદનોની હેરફેર સરળ રહેશે. આ રેલવેલાઈનથી મુસાફરોની યાત્રા પણ સરળ રહેશે.
અમૃત ભારત યોજનાઃ છત્તીસગઢમાં રેલવે ટ્રેકનું વીજળીકરણ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. તેનાથી રેલવેની સ્પીડ વધશે અને છત્તીસગઢની હવા પણ સ્વચ્છ રાખવામાં મદદ મળશે. રાજ્યમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ ચાલી રહી છે. આવનારા વર્ષોમાં છત્તીસગઢના રેલવે સ્ટેશનોનું નવિનીકરણ પણ થવાનું છે. અમૃત ભારત યોજના અંતર્ગત 30 સ્ટેશન નક્કી કરવામાં આવી છે. સાત રેલવે સ્ટેશનના ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યા છે.
જગદલપુર સ્ટેશનની મહત્વતાઃ આવનારા દિવસોમાં જગદલપુર સ્ટેશન શહેરનું પ્રમુખ કેન્દ્ર બનશે. અહીં પ્રવાસીઓની સુવિધાઓને શ્રેષ્ઠતમ બનાવવામાં આવશે. રાજ્યના 120થી વધુ સ્ટેશનો પર મફત વાઈફાઈ સુવિધા આપવામાં આવી છે. છત્તીસગઢની જનતા જીવનમાં સુગમતા લાવવા માટે ભારત સરકાર બનતા દરેક પ્રયત્નો કરી રહી છે. આજે જે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે તેનાથી છત્તીસગઢની પ્રગતિને વેગ મળશે. રોજગારના નવા અવસર મળશે. ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ભારતનું ભાગ્ય બદલવા માટે છત્તીસગઢ પણ પોતાની મોટી ભૂમિકા નિભાવી શકે છે.