નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં યોજાયેલી G20 સમિટમાં લેવાયેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા કરવા માટે નવેમ્બરના અંતમાં વર્ચ્યુઅલ સત્રનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અહીં બે દિવસીય G20 સમિટના અંતિમ સત્રમાં તેમના સમાપન ભાષણમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારતની G20 અધ્યક્ષતા સત્તાવાર રીતે 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે અને જૂથના અધ્યક્ષ તરીકે તેમના કાર્યકાળમાં અઢી મહિનાથી વધુ સમય બાકી છે.
નવેમ્બરના અંતમાં જી-20ના વર્ચ્યુઅલ સત્રનું આયોજન : વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા બે દિવસમાં તમે તમારા વિચારો વ્યક્ત કર્યા, સૂચનો આપ્યા અને અનેક પ્રસ્તાવો આવ્યા. જે સૂચનો સામે આવ્યા છે તેને નજીકથી જોવાની અને તેને કેવી રીતે ઝડપી બનાવી શકાય તે જોવાની જવાબદારી અમારી છે. તેમણે કહ્યું કે, મારો પ્રસ્તાવ છે કે આપણે નવેમ્બરના અંતમાં જી-20ના વર્ચ્યુઅલ સત્રનું આયોજન કરવું જોઈએ. તે સત્રમાં, અમે આ સમિટ દરમિયાન સહમત થયેલા મુદ્દાઓની સમીક્ષા કરી શકીએ છીએ.
વડાપ્રધાનએ તમામનો આભાર વ્યક્ત કર્યો : તેમણે વધુમાં કહ્યું કે, અમારી ટીમ તેની વિગતો દરેક સાથે શેર કરશે. હું આશા રાખું છું કે તમે બધા તેમાં (સત્ર) ભાગ લેશો. મોદીએ કહ્યું કે, આ સાથે હું G20 સમિટનું સમાપન કરું છું. એક સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરીને, તેમણે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી. અગાઉ, સમાપન સત્રમાં, મોદીએ G20 નું પ્રમુખપદ સોંપતી વખતે બ્રાઝિલને પરંપરાગત ગૈવલ (એક પ્રકારનો હથોડો) સોંપ્યો હતો અને તેમને શુભેચ્છા પાઠવી હતી. બ્રાઝિલ આ વર્ષે 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20 જૂથનું પ્રમુખપદ સંભાળશે.