નવી દિલ્હીઃ પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી શાહિદ લતીફ પાકિસ્તાનમાં માર્યો ગયો છે. પાકિસ્તાનના સિયાલકોટમાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા શાહિદ લતીફની હત્યા કરી દેવાઈ છે. NIAએ પણ શાહિદ લતીફને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2016ના જાન્યુઆરીમાં ભારતીય સેનાનો યુનિફોર્મ પહેરીને 6 બંદુકધારીઓ પંજાબ સરહદે રાવી નદીમાં થઈને ભારતમાં ઘુસ્યા હતા. અહીં કેટલીક ગાડીઓ પર કબ્જો કરીને તેઓ પઠાણકોટ વાયુ સેના તરફ આગળ વધ્યા હતા.
ચાર જવાનો શહીદઃ ગાડીઓમાં હુમલાખોરો આવ્યા અને પઠાણકોટમાં ગોળીબાર શરુ કરી દીધો. આ હુમલામાં ચાર હુમલાખોર માર્યા ગયા હતા. જ્યારે ભારતના સુરક્ષા દળના 3 જવાનો શહીદ થયા હતા. આ ગોળીબાર આખો દિવસ ચાલ્યો હતો. આના એક દિવસ બાદ આઈઈડી બ્લાસ્ટમાં ચાર ભારતીય સૈનિક શહીદ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં એક નિશાનબાજીના વિજેતા ડોગરા રેજિમેન્ટના સુબેદાર ફતેહ સિંહ પણ સામેલ હતા. સુરક્ષા દળોને પરિસ્થિતિ કાબુમાં છે તેનું આશ્વાસન મેળવતા ત્રણ દિવસ લાગ્યા હતા.
24 આતંકવાદીઓને છોડી મુકાયાઃ હુમલા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. દિલ્હી પોલીસને કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ શહેરમાં પ્રવેશ્યા હોવાના સમાચાર મળ્યા હતા. સમગ્ર શહેરમાં કિલ્લેબંધ સુરક્ષા કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીએ થનાર પરેડની દેખરેખ માટે વધારાના સુરક્ષા કર્મચારીઓને ડયૂટી સોંપવામાં આવી હતી. ભારત સરકારે 2010માં લતીફને અન્ય 24 આતંકવાદીઓ સાથે છોડી મુક્યો હતો. 1999માં આઈસી 814 ઈન્ડિયન એરલાયન્સ વિમાન અપહરણના સિલસિલામાં મૌલાના મસૂદ અઝહરને છોડી મુકવાની માંગણી થઈ હતી. મસૂદ અઝહરની સાથે છોડવામાં આવે તેમાં લતીફનું નામ પણ સામેલ હતું.