નવી દિલ્હી : સંસદ સુરક્ષા ક્ષતિ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી નીલમ આઝાદે તેની પોલીસ કસ્ટડીને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. નીલમે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરતા કહ્યું કે, તેને ટ્રાયલ કોર્ટમાં પોતાની પસંદગીના વકીલની સલાહ લેવાની મંજૂરી નથી મળી. અરજીમાં માંગ કરવામાં આવી છે કે નીલમને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવે અને તેને મુક્ત કરવામાં આવે.
આરોપીની અરજી : આરોપી નીલમે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાયલ કોર્ટમાં તેની હાજરી દરમિયાન નીલમને તેમની પસંદગીના વકીલની સલાહ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અરજીમાં કહ્યું કે અટકાયતમાં રાખવું એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે.
દિલ્હી પોલીસની કાર્યવાહી : નીલમ સહિત આ કેસમાં છ આરોપી 5 જાન્યુઆરી સુધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. હાલમાં જ હાઈકોર્ટે નીલમના પરિવારને FIR ની કોપી આપવાના પટિયાલા હાઉસ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પટિયાલા હાઉસ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. 21 ડિસેમ્બરના રોજ પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને નિર્દેશ આપ્યો હતો કે તેઓ સંસદ સુરક્ષા ક્ષતિ કેસની આરોપી નીલમના પરિવારજનોને 24 કલાકની અંદર FIR ની કોપી ઉપલબ્ધ કરાવે.
શું હતો કોર્ટનો આદેશ ? એડિશનલ સેશંન જજ હરદીપ કૌરે 24 કલાકની અંદર નિલમના પરિવારના સભ્યોને FIR ની કોપી ઉપલબ્ધ કરવાનો આદેશ આપ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટના આદેશને દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ FIR નોંધી છે.
સંસદ સુરક્ષા ક્ષતિ કેસ : ઉલ્લેખનિય છે કે 13 ડિસેમ્બરના રોજ બે આરોપીઓ સંસદની વિઝિટર ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા હતા. થોડી જ વારમાં એક આરોપી ડેસ્ક પર પહોંચી પોતાના બુટમાંથી કંઈક કાઢ્યું અને અચાનક પીળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ ઘટના બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. હંગામા અને ધુમાડા વચ્ચે કેટલાક સાંસદોએ આ યુવકોને પકડી લીધા અને માર પણ માર્યો હતો. થોડા સમય બાદ સંસદના સુરક્ષાકર્મીઓએ બંને યુવકોને પકડી લીધા હતા. ઉપરાંત સંસદની બહાર સૂત્રોચ્ચાર કરતા અને પીળો ધુમાડો ફેંકતા બે શખ્સ પણ પકડાયા હતા.