- સ્વતંત્રતા દિવસ પર 90 મિનિટ બોલ્યા વડાપ્રધાન મોદી
- દીકરીઓ માટે ખોલવામાં આવશે તમામ સૈનિક શાળાઓ
- મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ વધારવું પડશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI )લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા કહ્યુ કે, આ સમય વિજય તરફ આગળ વધવાનો છે. આ સમય છે સાચો સમય છે ભારતનો અનમોલ સમય છે. અસંખ્ય ભૂજાઓની શક્તિ છે. દરેક જગ્યાએ ભારતનો સમય છે. ભારતના ભાગ્યનો સમય છે.સ્વતંત્રતા દિવસ પર 90 મિનિટ બોલ્યા વડાપ્રધાન મોદી.
100 લાખ કરોડ રૂપિયાની ગતિ શક્તિ યોજનાની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને નમન સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે પંડિત જવાહર લાલ નહેરુને પણ યાદ કર્યા હતા. મોદીએ પોતાના 90 મિનિટના સંબોધનમાં બે મોટી જાહેરાત કરી હતી. તેમાં 100 લાખ કરોડ રૂપિયાની ગતિ શક્તિ યોજના અને દીકરીઓ માટે દેશની તમામ સૈનિક શાળા ખોલવાની જાહેરાત સામેલ છે.
જીવ હોમી દેનારા વીર-વીરાંગનાઓને દેશ નમન કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી
મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, ‘75મા સ્વતંત્રતા દિવસ પર તમને અને વિશ્વમાં ભારતને પ્રેમ કરનારા લોકોને અને લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ અભિનંદન. આજે આઝાદીના અમૃત મહોત્સવના પાવન પર્વ પર દેશ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર રક્ષામાં ખુદની આહૂતિ આપનારા અને જીવ હોમી દેનારા વીર-વીરાંગનાઓને દેશ નમન કરી રહ્યો છે.
દીકરીઓ માટે ખોલવામાં આવશે તમામ સૈનિક શાળાઓ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રમતગમતથી લઈને દરેક જગ્યાએ દીકરીઓ કમાલ કરી રહી છે. આજે ભારતની દીકરીઓ તેમનું સ્થાન મેળવવા માટે તૈયાર છે. રસ્તાથી લઈને કાર્યસ્થળ સુધી મહિલાઓમાં સલામતી, સન્માનનો ભાવ હોય, આ માટે સરકાર તંત્ર, પોલીસ, નાગરિકોએ પોતાની જવાબદારી નિભાવવી પડશે. આ સંકલ્પને આઝાદીના 75 વર્ષનો સંકલ્પ બનાવવાનો છે. મને લાખો દીકરીઓના સંદેશા મળતા હતા જે સૈનિક શાળામાં ભણવા માંગે છે.અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક શાળામાં દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે નક્કી કરવામાં આવ્યું છે કે દેશની તમામ સૈનિક શાળાઓ પણ દેશની દીકરીઓ માટે ખોલવામાં આવશે.