રાજસ્થાન : નાગૌર જિલ્લામાં રવિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોતના થયા છે. જિલ્લાના અમરપુરામાં વહેલી સવારે બસ અને ટ્રેલરની ટક્કર થઈ હતી. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ ખિંવસરમાં મોડી રાત્રે એક જીપે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર ત્રણ લોકોના મોત થયા હતા. આમ, બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે.
બસ અને ટ્રેલર વચ્ચે ટક્કરઃ આજે સવારે નાગૌર નજીક અમરપુરામાં બસ અને ટ્રેલર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રેલરની છત પણ ઉડી ગઈ હતી. આ સાથે બસ પલટી મારીને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. માર્ગ અકસ્માત બાદ નજીકના લોકોએ બસની અંદર બેઠેલા મુસાફરોની મદદ કરી હતી. આ સાથે સ્થાનિક પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. હાલ સદર પોલીસ સ્ટેશન સ્થળ પર હાજર છે અને મામલાની ગંભીરતા પર નજર રાખી રહી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને જેએલએન હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. ઘાયલોની જેએલએન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જીપ અને બાઇક વચ્ચે ટક્કર : ખિંવસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બૈરથલ કલાન-શિવપુરા રોડ પર બૈરથલ ગામ નજીક મોડી રાત્રે એક જીપે બાઇકને ટક્કર મારી હતી. જીપે બાઇક સવાર માતા અને તેના બે પુત્રોને કચડી નાખ્યા હતા. જેમાં ત્રણેયના કરૂણ મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બૈરથલ કલાનના રહેવાસી ભંવરારામની પત્ની કાલી દેવી તેના બે પુત્રો ભોમારામ અને ગજેન્દ્ર સાથે ખેતરોમાં કામ કરીને મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બૈરથલ કલાણ-શિવપુરા રોડ પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીપે ત્રણેયને ટક્કર મારી હતી. ત્રણેયને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ ત્રણેયને ગંભીર હાલતમાં ખિંવસર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ બાદ ભોમારામને મૃત જાહેર કર્યા હતા, જ્યારે કાલી દેવી અને ગજેન્દ્રને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.
પોલિસનું નિવેદન : પરિવારના સભ્યો બંનેને એમ્બ્યુલન્સમાં જોધપુર લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ બંનેના મોત થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ પોલીસને જણાવ્યું કે, જીપ ચાલક નશામાં હતો. ખિંવસર પોલીસ સ્ટેશનના પ્રભારી સત્યનારાયણે જણાવ્યું કે, ત્રણેયના મૃતદેહ ખિંવસર સ્થિત આરોગ્ય કેન્દ્રના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આ મૃતદેહોનું આજે રવિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ આ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.