અલીગઢઃ આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે. શ્રદ્ધાળુઓએ કળશની સ્થાપના કરીને માતા દુર્ગાની આરાધના કરવાનું શરૂ કરી દીધું છે. આ શ્રેણીમાં શહેરના એક મુસ્લિમ પરિવારે પણ અનોખી પહેલ કરતા પોતાના ઘરમાં માતાજીની મૂર્તિનું સ્થાપન કર્યુ છે. પરિવારે ઉપવાસ પણ કર્યા છે. મુસ્લિમ પરિવારે સનાતન ધર્મ અનુસાર પૂજા અર્ચના કરી છે. પરિવારનું કહેવું છે કે, અલ્લાહની સાથે દેવી-દેવતાઓમાં પણ તેમની ઊંડી શ્રદ્ધા છે. તેમણે હિન્દુ-મુસ્લિમ ભાઈચારા માટે આવું પગલું ભર્યું છે.
અલ્લાહ-ભગવાન બંનેની પૂજા: જૂના શહેરની રહેવાસી રૂબી નામની મહિલાએ રવિવારે નવરાત્રીના પ્રારંભે સનાતન ધર્મના રિવાજ અનુસાર પોતાના ઘરમાં માતા દુર્ગાની મૂર્તિનું સ્થાપન કર્યું છે. પરિવારજનોએ વ્રત રાખી માતાની આસ્થાભેર પૂજા કરી છે. પરિવારનું કહેવું છે કે, તેઓ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મનું પાલન કરે છે. દેશમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે, અમે ભગવાન અને અલ્લાહ બંનેની પૂજા કરીએ છીએ. જો કોઈ તેમને માતા દુર્ગાની પૂજા કરતા અટકાવે અથવા તો તેમના વિરૂધ્ધ ફતવો બહાર પાડે તો તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેઓ અલ્લાહ અને ભગવાનમાં માનતા રહેશે.
કોણ છે રૂબી: આપને જણાવી દઈએ કે, મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવતી રૂબીના પતિ આસિફ પણ પત્નીનું સમર્થન કરે છે. રૂબી ભારતીય જનતા પાર્ટીના જયગંજ મહિલા મોરચાની ઉપાધ્યક્ષ પણ છે. છેલ્લા છેલ્લાં ઘણા વર્ષોથી રૂબી ગણેશ ચતુર્થી પર ગણેશજીની પ્રતિમાની પણ સ્થાપના કરે છે. તે નવરાત્રીમાં માતાજીની મુર્તીનું સ્થાપન પણ કરે છે. આ વખતે પણ તેને આ ક્રમ યથાવત રાખ્યો છે.
ઘણી વખત થયો છે હુમલો: મહત્વપૂર્ણ છે કે, ઘણી વખત રૂબી પર જીવલેણ હુમલો પણ થઈ ચુક્યો છે. ઘણા મૌલાનાઓ તેમની સામે ફતવાઓ જાહેર કરી ચુક્યાં છે. રૂબીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. રૂબીનું કહેવું છે કે, ઈશ્વર અને અલ્લાહ બંનેમાં શ્રદ્ધા ધરાવે છે અને બંનેની પૂજા કરે છે.