ધારઃ મધ્ય પ્રદેશના વિધાનસભા ક્ષેત્ર ધારમાં કુક્ષી વિસ્તારમાં કૉંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધન કર્યુ છે. આ સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે. અદાણીનો ઉલ્લેખ કરીને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના પુત્રના વાયરલ થયેલા વીડિયો મુદ્દે પણ ભાજપની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકા ગાંધીએ મોંઘવારી અને ડુંગળીના વધતા ભાવોને લઈ સરકાર નિષ્ફળ ગઈ છે તેમ જણાવ્યું હતું.

તોમરના પુત્રનો વાયરલ વીડિયોઃ કુક્ષીમાં જનસભાને સંબોધન દરમિયાન જણાવ્યું કે, તમે જેને ઈચ્છો તેને ચૂંટીને જીતાડી શકો છો પણ જો આપ ઈચ્છો કે અત્યાચાર વધે, બેરોજગારી વધે, મોંઘવારી વધે તો ભાજપને મત આપજો. કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના પુત્રના વાયરલ થયેલા વીડિયોનો પ્રિયંકાએ ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયોમાં હજારો કરોડોની વાતો થઈ રહી હતી.
અદાણી અને ખેડૂતની આવકમાં અંતરઃ પ્રિયંકા ગાંધીએ અદાણીની આવક અને ખેડૂતોની આવકમાં વ્યાપક અંતર વિશે માહિતી આપી હતી. અદાણીની પ્રતિ દિવસની આવક 1600 કરોડ છે જ્યારે એક ખેડૂતની આવક પ્રતિ દિન 27 રુપિયા છે. અદાણી સરકારની મદદથી 1600 કરોડ પ્રતિ દિવસની કમાણી કરી રહ્યા છે. વડા પ્રધાન લાખોનો સૂટ પહેરે છે. વડા પ્રધાને 8 હજાર કરોડના બે હવાઈ જહાજ ખરીદ્યા છે. 16 હજાર કરોડના હેલિકોપ્ટરમાં એક વ્યક્તિ ફરે છે. સંસદના નવિનીકરણ પાછળ 20 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. મોદી સરકાર મોટી મોટી ઈમારતો બનાવે છે પણ ખેડૂતોનું ઋણ માફ કરી શકતા નથી.
ભાજપની જાહેરાતો ખોખલીઃ પ્રિયંકા ગાંધીએ ઉપસ્થિત જનતાને પુછ્યું કે શું 5થી 6 વર્ષોમાં તમારી કોઈ પ્રગતિ થઈ છે? 18 વર્ષોમાં આપની કોઈ પ્રગતિ થઈ નથી. વચ્ચે કૉંગ્રેસની સરકાર બની હતી, આ સરકારને ભાજપે તોડી નાંખી હતી. ભાજપ દ્વારા કરવામાં આવતી જાહેરાતો ખોખલી છે. તેઓ પોતાના બાળકોની પ્રગતિ કરાવે છે, હજારો કરોડની લોનો માફ કરાવી દે છે, પણ મધ્ય પ્રદેશની જનતાને કશું આપતા નથી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે અહીં વોટ નહિ પણ જાગૃતિ માંગવા આવી છું. ઈન્દિરા ગાંધીએ ક્યારેય ખોખલી યોજનાઓની જાહેરાત કરી નથી. ઈન્દિરા ગાંધીએ તમને પોતાના જંગલ, જમીન અને પાણીના અધિકારો આપ્યા હતા.
વિરાટ કોહલી અને ડુંગળી બંનેની સેન્ચ્યુરીઃ પ્રિયંકા ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર વાક પ્રહાર કર્યા છે. માત્ર મધ્ય પ્રદેશ જ નહિ પરંતુ સમગ્ર દેશના યુવાનો બેરોજગારીની સમસ્યાથી પીડાય છે. આજે દેશમાં 45 વર્ષમાં સૌથી વધુ મોંઘવારી છે. 90 ટકાથી વધુ સરકારી નોકરીઓ ખાલી છે, ભાજપની સરકાર છે તો પણ આવું કેવી રીતે બને? દેશમાં પહેલા ટામેટાના ભાવો વધી ગયા. હવે ડુંગળીના ભાવો વધી રહ્યા છે. જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે મોદી, સચિન સેન્ચ્યુરી મારશે કે ડુંગળી તેવું પુછતા હતા. આજે હું ભાજપ સરકારને પુછવા માંગું છું કે વિરાટ કોહલી સેન્ચ્યુરી મારશે કે ડુંગળી?