- ગામના સરપંચ પોપટરાવ પવારે ગામને બનાવ્યું આદર્શ ગામ
- ગામમાં પાણીના સ્ત્રોતો સાથે પાણીનું સ્તર પણ વધ્યું
- ગામમાં દૂધની ડેરી અને ઘાસચારાનો સ્ટોર શરૂ કરાયો
- હિવરે ગામને એશિયાનું સૌથી ધનિક ગામ માનવામાં આવે છે
અહમદનગર (મહારાષ્ટ્ર ) : જિલ્લાના અન્ય ગામોની જેમ હિવરે બજાર ગામ પણ અપૂરતી સિંચાઇ સુવિધાઓ, અનિયમિત વરસાદ, કૃષિ ચીજવસ્તુઓના ઓછા ભાવો અને ગામમાં રોજગારની તકોના અભાવ જોવા મળતો હતો. જો કે પોપટરાવ પવારે વિદેશમાં અભ્યાસ કર્યા પછી ગામમાં કામ કરવાના સંકલ્પ સાથે ગામ પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે જોરશોરથી કામ શરૂ કર્યું અને અનેક સુવિધાઓથી વંચિત હિવરે બજાર ગામનું પરિવર્તન કર્યું. આજે ગામ એશિયાના સૌથી ધનિક ગામ તરીકે સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે.
નિયમિત આરોગ્ય તપાસણી, દારૂ - ગુટકા પર પ્રતિબંધ
આદર્શ ગ્રામ યોજના હેઠળ વન સંરક્ષણ, જમીન સંરક્ષણ, જળ સંરક્ષણ અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ સાથે, ગ્રામજનો પાણીની ઉપલબ્ધતાના આધારે પાકની યોજના કરી હતી. વધારે પાણીનો વપરાશ કરનારા પાક વાવવા પર પ્રતિબંધ હોવાના પરિણામે ગામે આ સિદ્ધિ હાંસલ કરી છે. નિયમિત આરોગ્ય તપાસણી, દારૂ અને ગુટકા પર પ્રતિબંધ, રિવાજોથી સંબંધિત વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત બધા તહેવારો ગામમાં સામૂહિક રીતે ઉજવવામાં આવે છે. ગામમાં આર્થિક સમૃદ્ધિને કારણે લોકોમાં આધ્યાત્મિક સમૃદ્ધિ પણ સારી છે. પરિણામે, ગામમાં વ્યસન, ઝગડા અને અન્ય વિવાદની શક્યતા ઓછી જોવા મળે છે.
આ પણ વાંચો: કર્નાટક: ચોકના ટુકડા પર કોતરવામાં આવ્યું રાષ્ટ્રગીત
ગામની અર્થવ્યવસ્થામાં પણ સુધારો
પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, ગ્રામસભામાં વોટરશેડ વિસ્તાર વિકસાવવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો. આખા ગામમાં માત્ર સરકાર પર આધાર રાખ્યા વગર વાસ્તવિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજુબાજુની ટેકરીઓ, ડાંગરની જમીનો ઉપર મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ ગામમાં મૃતકના નામ પર અહીં એક વૃક્ષ વાવવામાં આવે છે અને તેનું પાલન પણ કરવામાં આવે છે. વરસાદી પાણીને રોકવા માટે તળાવો ખોદવામાં આવ્યા હતા. થોડા જ વર્ષોમાં, સખત મહેનત દ્વારા વાવેલા વૃક્ષો જંગલની જેમ મોટા અને લીલા બની ગયા છે. ગામમાં પાણીના સ્ત્રોતો સાથે પાણીનું સ્તર પણ વધ્યું છે. આ પદ્ધતિથી ગામને દુષ્કાળથી દૂર કરવામાં મદદ મળી હતી. ગામમાં પાણી આવતાંની સાથે સમૃદ્ધિ આવી અને તેનાથી ગામની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થયો.
આવકમાં થયો ધરખમ વધારો
ગામમાં પાણીની સમસ્યા હલ થતાં ગ્રામજનોએ આરોગ્ય, શિક્ષણ, કૃષિની સમસ્યાઓ હલ કરવા તરફ પોતાનું ધ્યાન દોર્યું હતું. ગામના લોકો મતભેદો ભૂલીને પોપટરાવ પવારની પાછળ નિશ્ચિતપણે ઉભા રહી ગયા હતા. આજે ગામના 97 પરિવારોની વાર્ષિક આવક રૂપિયા 5 લાખથી ઉપર છે, જ્યારે 70 પરિવારોની આવક 5 થી 10 લાખ રૂપિયાની વચ્ચે છે. 1500 ની વસ્તીવાળા હીવરે બજાર ગામમાં સાક્ષરતાનો દર 95 ટકા થઈ ગયો છે, આથી, બેરોજગારીના કારણે ગામ છોડનારા 70 પરિવારો હવે ગામમાં પરત ફર્યા છે. આ ઉપરાંત, શાળાના બાળકો ગામમાં પાણી અને પાક ઉપર નજર રાખે છે, આથી બાળકોને શાળામાં કૃષિ, પાણીના ઉપયોગ અને પાકના આયોજન વિશે શીખવવામાં આવે છે.
આ પણ વાંચો: Valley Of Flowers: પ્રવાસીઓ માટે ખુલ્લી વિશ્વની ધરોહર ફુલોની ખીણ, દુનિયામાં ક્યાંય નથી એટલા ફુલ
દૂધની ડેરી અને ઘાસચારાનો સ્ટોર શરૂ કરાયો
એગ્રી સપ્લીમેન્ટ બિઝનેસ દ્વારા ગ્રામજનોની આવક વધારવા માટે, ગામમાં દૂધની ડેરી અને ઘાસચારાનો સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સ્થાનિક પાંડુરંગ બાંગરે જણાવ્યું હતું કે, અમે 2005 થી ડેરીનો વ્યવસાય કરી રહ્યા છીએ. શરૂઆતમાં અમે તેને કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ધંધા તરીકે કરી રહ્યા હતા, પરંતુ તેમાંથી સારી આવક થયા બાદ, અમે ખેતીને સાઇડ બિઝનેસમાં બદલાવી નાખ્યો છે. આજે આમારી પાસે 16 ગાય છે અને અમે ડેરી ફાર્મિંગથી વાર્ષિક આશરે 2.5 લાખ રૂપિયાની કમાણી કરીએ છીએ.
હિવરે બજાર ગામને મળ્યા અનેક પુરસ્કારો
હિવરે બજાર ગામને પોતાની સમૃદ્ધિ માટે અનેક પુરસ્કારો મળ્યા છે. જેમાં, ભારત સરકાર તરફથી નિર્મલ ગ્રામ પુરસ્કાર, રાષ્ટ્રીય જળ પુરસ્કાર, આદર્શ ગામ પુરસ્કાર અને મહારાષ્ટ્ર સરકારનો વનગ્રામ પુરસ્કાર, યશવંત ગ્રામ પુરસ્કાર સહિતના અન્ય ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ગામમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન, નિયમિત ચેક-અપ, ક્વોરન્ટાઇન અને કરફ્યૂના કારણે આ ગામ માત્ર 15 દિવસમાં જ કોરોના મુક્ત થઈ ગયું હતું. આથી, વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને પણ હિવરે બજાર ગામની પ્રશંસા કરી છે.