નવી દિલ્હીઃ પશ્ચિમ દિલ્હી સ્થિત દશમેશ હોસ્પિટલમાં 17 વર્ષીય સગીરા પેટમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ થઈ હતી. ત્યારબાદ તે શૌચાલયમાં ગઈ હતી. શૌચાલયમાં જ તેણે બાળકીને જન્મ આપ્યો. આ સમાચારથી સમગ્ર હોસ્પિટલમાં ભાગદોડ થઈ ગઈ. પોલીસને ખબર મળતા પોલીસ પણ ઘટના સ્થળે ધસી આવી હતી. મહિલા આયોગના કાઉન્સિલરને પણ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. આ સગીરા અને તેના પરિવારની લાંબી પુછપરછ કરવામાં આવી હતી. જો કે પરિવારે કે સગીરાએ કોઈ નક્કર માહિતી પૂરી પાડી નહતી.
પોલીસ કેસ દાખલઃ પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમો લગાડીને કેસ દાખલ કર્યો છે. 17 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે પશ્ચિમ દિલ્હીમાં રહે છે. બુધવારે તેણીને પેટમાં દુખાવો ઉપડતા શિવનગર સ્થિત દશમેશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ હોસ્પિટલના શૌચાલયમાં તેણીએ એક બાળકીને જન્મ આપતા ચકચાર મચી ગઈ હતી.
લાંબી પુછપરછ નિષ્ફળ ગઈઃ પોલીસ અને મહિલા આયોગના કાઉન્સિલરના લાખ પ્રયત્નો બાદ પણ પરિવાર અને સગીરાએ બાળકીના પિતા વિશે કોઈ નક્કર માહિતી આપી નહીં. પોલીસે ત્યારબાદ ગુનો દાખલ કરી દીધો હતો. પોલીસ જેણે સગીરાને માતા બનાવી તે વ્યક્તિને શોધી રહી છે. પરિવારના સભ્યો અને સગીરાની લાંબા સમયની પુછપરછમાં પોલીસને નિષ્ફળતા હાથ લાગી હતી.
બાળકી અને માતાની તબિયત સ્થિરઃ અત્યારે નવજાત બાળકી અને તેની સગીરા માતાની તબિયત સ્વસ્થ છે. સગીરા અને તેના માતાપિતા પોલીસ કાર્યવાહીથી ડરી ગયા છે. તેઓ કોઈ પણ નિવેદન આપવા તૈયાર નથી.