દાર્જિલિંગ : શુક્રવારે દાર્જિલિંગના તકબર બ્લોકના પટાબુંગના ડાંડા ગામમાં રાતભર વરસાદને કારણે ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ડુંગરાળ ગામમાં અચાનક ભૂસ્ખલન થતાં નુકસાન થયું હતું. આ ઘટનામાં 59 વર્ષીય બાબુલાલ રાયનું મકાન ધરાશાયી થયું અને કાટમાળમાં દબાઇ મૃત્યુ પામ્યા હતાં.
અનેક જગ્યાએ ભૂસ્ખલન : બીજી તરફ અવિરત વરસાદને કારણે કાલિમપોંગમાં નેશનલ હાઈવે નંબર 10 પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. વરસાદના કારણે તીસ્તા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. નદીનું પાણી ઓવરફ્લો થઈને નેશનલ હાઈવે અને અનેક ઘરોમાં ઘૂસી ગયું હતું. ગત રાત્રિથી રાજ્યભરમાં ભારે વરસાદ શરૂ થયો છે.
પ્રશાસન દ્વારા કાર્યવાહી : પહાડોમાં અવિરત વરસાદને કારણે એક વૃદ્ધ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાને લઇને પોલીસ પ્રશાસનના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ દાર્જિલિંગના પટાબુંગ વિસ્તારના રહેવાસી બાબુલાલ રાય તરીકે થઈ છે. માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક તકબર સમસ્તીના પ્રભારી આલોક કાંતામણી થુલુંગ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાનો કાટમાળ હટાવવા અને સામાન્ય જનજીવનને સામાન્ય કરવા માટે ત્યાં પહોંચ્યા. પોલીસે બાબુલાલ રાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં મોકલી દીધો છે જ્યાં ઓટોપ્સી પ્રકિયા કરવામાં આવશે.
અનેક બાંધકામ ધરાશાયી થવાની આશંકા : બીજી તરફ પ્રશાસન આ વિસ્તારમાં મૂશળધાર વરસાદને કારણે અનેક બાંધકામ ધરાશાયી થવાની આશંકા સેવી રહ્યું છે. પોલીસની મદદથી પહાડી વિસ્તારોના ઘણા ઘરોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં પણ આવ્યા છે. બીજી તરફ તીસ્તા નદીનું પાણી નેશનલ હાઈવે નંબર 10 પર ફરી વળ્યુંં છે.
અત્યારે એક તરફનો ટ્રાફિક છે. મધરાત્રે તીસ્તા નદીનું પાણી ઘરમાં ઘૂસી ગયું છે. પોલીસે રાત્રે આવીને ઘર ખાલી કરવાનું કહ્યું. દરમિયાન રસ્તાની હાલત ખરાબ છે. અમે નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર જાણ કરી તો પણ કોઈ ફાયદો થયો નથી...પ્રતાપ રાય(સ્થાનિક)
તીસ્તા નદીના પાણી ઘરમાં ઘૂસ્યાં : તેની સાથે જ આ વિસ્તારના અનેક ઘરોમાં તીસ્તા નદીના પાણી ઘૂસી ગયું હોવાની ફરિયાદો મળી રહી છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમે બચાવ કામગીરી શરુ કરી દીધી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 29 માઈલ પર એક વૃક્ષ પડ્યું હતું. જો કે આ વિસ્તારમાં ટ્રાફિક બંધ હોવાથી કોઈ મોટી દુર્ઘટના થવાના ખબર મળ્યાં નથી.