- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીએ તમામ રેલીઓ રદ્દ કરી
- ચૂંટણી પંચે દરેક રાજકિય પક્ષને આપી કડક સૂચના
- તમામ બેઠકો વર્ચુઅલી યોજાશે
કોલકત્તા: કોરોના વાઇરસની મહામારીને કારણે ફરી એકવાર પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ભીડ એકત્રિત કરવાની મનાઈ ફરવામાં આવી છે. ચૂંટણી પંચે હવે કડક વલણ અપનાવ્યું છે અને રાજ્યના તમામ પક્ષોના રોડ શો, સાયકલ, બાઇક અથવા અન્ય વાહન રેલીઓને રદ કરી છે. જે બાદ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ તેમના તમામ ચૂંટણી કાર્યક્રમો રદ્દ કર્યા છે. મમતા બેનર્જીએ ખુદ આ માહિતી આપી હતી. આ પહેલા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.
મમતા બેનર્જીએ ટ્વીટ કરી આપી જાણકારી
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે 'દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અને ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને હું અમારી તમામ સુનિશ્ચિત ચૂંટણી બેઠકોને રદ્દ કરું છું. હવે અમે વર્ચુઅલ રીતે લોકો સુધી પહોંચીશું. તેમણે વધુમાં લખ્યું છે કે અમે ટૂંક સમયમાં વર્ચુઅલ મીટિંગ્સની સૂચિ શેર કરીશું.
આ પણ વાંચો : પ્રચારના પ્રતિબંધો પૂરા થતાંની સાથે જ મમતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
ચૂંટણીપંચે લીધા કડક પગલા
આ પહેલા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં રોડ શો પર પ્રતિબંધ લગાવી દીધો છે. 22 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યાથી આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આદેશ જારી કરીને કહ્યું છે કે કોઈ પણ પક્ષે આયોગની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી, તેથી ચૂંટણી પંચ બળપૂર્વક આ પગલું ભરી રહ્યું છે. નવા આદેશ મુજબ કોઈપણ પક્ષને રોડ શો, બાઇક શો કે કોઈપણ પ્રકારનો ચૂંટણી શો રાખવા દેવામાં આવશે નહીં. જો કોઈને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી હોય, તો પણ તે ઓર્ડર રદ્દ કરવામાં આવશે.
આ પણ વાંચો : મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો
બેઠકમાં માત્ર 500 લોકોની પરવાનગી
કોઈપણ પક્ષને જાહેર સભા યોજવાની મંજૂરી આપવામાં આવશે જેમાં મહત્તમ 500 લોકો ભાગ લઈ શકશે, પરંતુ તેની શરત એવી રહેશે કે મીટિંગ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ, જ્યાં સામાજિક અંતર જેવા કોરોના નિયમોનું પાલન થઈ શકે. આ પહેલા પણ ચૂંટણી પંચે તમામ પક્ષોને સાવચેતી આપી હતી. ચૂંટણી પંચે કલકત્તા હાઈકોર્ટને ટાંકીને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે મુખ્ય રાજકીય પક્ષોને તાજી ચેતવણી આપી હતી કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે, અન્યથા પગલા લેવામાં આવશે.