ભોપાલ: મધ્યપ્રદેશના તમામ ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ અનુમતિપાત્ર મર્યાદા અને સમય કરતાં વધુ લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો અને ખુલ્લામાં માંસ અને ઈંડાના વેચાણ પર અંકુશ એ મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યાના દિવસે જ મોહન યાદવ દ્વારા લેવામાં આવેલા પ્રથમ બે પગલાં હતા. મોહન યાદવે તેમના શપથગ્રહણના દિવસે બુધવારે પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન બુધવારે બે મોટા વિવાદાસ્પદ નિર્ણયો લેવા માટે જરા પણ સમય ન બગાડ્યો.
ખુલ્લામાં માંસ-ઇંડાના વેચાણ સામે કાર્યવાહી: યાદવે કે જેઓ આરએસએસની પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તેમણે તેના લીધેલા પગલાનો બચાવ કરવા માટે ખાદ્ય સુરક્ષા નિયમો-સંબંધિત માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો. અને કહ્યું કે અમે હાલના ખાદ્ય સુરક્ષા નિયમો અને સંબંધિત માર્ગદર્શિકા અનુસાર ખુલ્લામાં માંસ અને ઇંડાના વેચાણ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પર્યાપ્ત જનજાગૃતિના પગલાં પણ લેવામાં આવશે. 15 થી 31 ડિસેમ્બર સુધી ખુલ્લામાં માંસ અને માછલીના વેચાણ પરના પ્રતિબંધને લાગુ કરવા માટે ખાદ્ય વિભાગ, પોલીસ અને સ્થાનિક શહેરી સંસ્થાઓ સાથે મળીને કામ કરશે.
લાઉડસ્પીકર પર પ્રતિબંધ: ઉપરાંત યાદવે કહ્યું કે લાઉડસ્પીકર પર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન દ્વારા પ્રતિબંધ લાદવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરવાના કોઈપણ પ્રયાસ પર નજર રાખવા માટે સરકાર તમામ જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્ક્વોડને જોડશે. જો લાઉડસ્પીકરનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવે છે અથવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો સત્તાવાળાઓએ ત્રણ દિવસમાં તેમનો અહેવાલ સુપરત કરવાનો રહેશે.
સરકારે જાહેર કરી માર્ગદર્શિકા: રાજ્ય સરકારે મધ્યપ્રદેશ અવાજ નિયંત્રણ અધિનિયમ, ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો 2000 ની જોગવાઈઓ અને મધ્યપ્રદેશમાં ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા દ્વારા આ નિર્ણય લીધો છે. જે અંતર્ગત પરવાનગી વિના લાઉડ સ્પીકર્સ અને અન્ય અવાજ એમ્પ્લીફાઇંગ ઉપકરણોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.