નવી દિલ્હીઃ વન નેશન વન ઈલેક્શનનો વિપક્ષો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવ્યો છે. લો કમિશન વન નેશન વન ઈલેક્શન મુદ્દે આજે ફાઈનલ રિપોર્ટ તૈયાર કરશે. દેશમાં આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે તેવામાં લો કમિશનની બુધવારની બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. દેશમાં વન નેશન વન ઈલેક્શનનો વ્યાપક વિરોધ પણ થઈ રહ્યો છે. આ વિરોધને પગલે લો કમિશન દ્વારા ખાસ બેઠકનું આયોજન કરાયું છે જેમાં ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતામાં બેઠકઃ લો કમિશનની બેઠક ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતામાં મળી રહી છે. આ બેઠકમાં લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન્સ, પંચાયતની ચૂંટણીઓ એકસાથે યોજવા પર વિચાર વિમર્શ કરવામાં આવશે. ઉપરાંત પોક્સો એક્ટ તેમજ ઓનલાઈન એફઆઈઆર પર ચર્ચા વિચારણા થઈ રહી છે. ચર્ચાને અંતે તૈયાર થનાર ફાઈનલ રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસને મોકલી આપવામાં આવશે.
ગયા અઠવાડિયે યોજાઈ હતી બેઠકઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ગયા અઠવાડિયે વન નેશન વન ઈલેક્શન સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ, રાજ્યસભાના વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ,પૂર્વ ફાયનાન્સ કમિશન ચેરમેન એન. કે. સિંઘ, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ સુભાષ સી કશ્યપ અને વિજિલન્સના પૂર્વ ચીફ કમિશ્નર સંજય કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ આ પેનલમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે નવી પાર્ટી બનાવી હોવાથી હવે આ બેઠકનો હિસ્સો રહ્યા નથી.