આસામ : આસામના મધ્ય વિસ્તારની જમીન ત્યાંના ભવ્ય હાથીઓની વસ્તીથી સમૃદ્ધ છે. જોકે, અહીં મનુષ્ય અને આ વિશાળ પ્રાણી વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ખાસ કરીને લણણીની મોસમ અને ચોમાસામાં પૂર દરમિયાન હાથીઓ ઘણીવાર ખોરાકની શોધમાં માનવ વસાહતો અને ડાંગરના ખેતરમાં આવી ચડે છે. વર્ષોથી વારંવાર થતા આ સંઘર્ષને કારણે પાક, મકાન અને માનવ જીવનને પણ ઘણું નુકસાન થયું છે.
પ્રકૃતિ-પ્રેમી સંસ્થા હાતી બંધુ : જોકે મનુષ્ય અને હાથી વચ્ચેની આ લડાઈમાં નાગાંવ સ્થિત એક પ્રકૃતિ-પ્રેમી સંસ્થા હાતી બંધુ માનવ-હાથીના સંઘર્ષની ઘટનાઓને ઘટાડવા માટે એક નવીન ઉકેલ લાવ્યા છે. આ એનજીઓએ નેપિયર ઘાસ અને અન્ય જંગલી ફળોની ખેતી કરવાનો અનોખો વિચાર રજૂ કર્યો હતો. જે આ હાથીઓના વસવાટવાળા વિસ્તારોને અડીને આવેલા મેદાનમાં હાથીઓને મનપસંદ ખોરાક છે.
હાતી બંધુની પહેલ : ગુવાહાટીના એક પ્રકૃતિ પ્રેમી પ્રદીપ કુમાર ભુઈયાના આશ્રય હેઠળ સંચાલિત હાતી બંધુનું નેતૃત્વ બિનોદ ડૂલુ બોરા દ્વારા કરવામાં આવે છે. એનજીઓના સભ્યોના અથાક પ્રયત્નો થકી હાથીઓના ટોળા ધીમે ધીમે નેપિયર ઘાસથી સમૃદ્ધ લગભગ 130 એકર જમીનની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. અહીં આવવાથી હાથીઓને પૌષ્ટિક ખોરાક મળી રહ્યો છે.
હાથીના અતિક્રમણની ઘટના : આ સર્જનાત્મક અભિગમે ખેડૂતોના ડાંગરના ખેતરો પર હાથીઓના અતિક્રમણની ઘટનાઓને સફળતાપૂર્વક ઘટાડી છે. જેનાથી પાક અને કિંમતી ચીજવસ્તુઓના નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ETV BHARAT સાથે વાત કરતા બોરાએ કહ્યું કે, 2018માં તેમને અહેસાસ થયો કે બિનખેતી લાયક જમીનનો એક મોટો હિસ્સો છે, જેનો હાથીઓ કોરિડોર તરીકે ઉપયોગ કરતા હતા.
હાથીના ખોરાકની વ્યવસ્થા : બિનોદ ડૂલુ બોરાએ વધુમાં કહ્યું કે, અમે તે જ વર્ષે જમીન પર નેપિયર ગ્રાસ, જેકફ્રૂટ અને એલિફન્ટ એપલનું વાવેતર શરૂ કર્યું હતું. અમે આ જમીન પર 200 જંગલી હાથીઓને ખોરાક આપીને રોકવામાં સફળ થયા છીએ. જેથી હાથી માનવ વસાહતમાં ઘૂસી નહીં અને ડાંગરની ખેતીનો નાશ ન કરે. બોરાએ કહ્યું કે, જે જમીન એક સમયે માનવ વસાહતમાં પ્રવેશવા માટે હાથીઓ માટે કોરિડોર હતો તે જમીન પર ખોરાક, પાણી અને રક્ષણ પૂરું પાડ્યું છે.
શું છે પ્લાન ? બિનોદ ડૂલુ બોરાએ કહ્યું કે, નેપિયર ઘાસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. હાથીઓ છેલ્લા 20 દિવસથી અહીં રોકાયા છે અને માનવ વસાહત તરફ ગયા નથી. એકવાર હાથી બધુ જ ઘાસ ખાઈ લેશે પછી અમે તેમને 200 વીઘા ડાંગરના ખેતરમાં પ્રવેશવાની મંજૂરી આપીશું, જેની ખેતી નેપિયર ઘાસના મેદાનોની બાજુમાં કરવામાં આવી છે. અમે સુનિશ્ચિત કરીશું કે ખેડૂતોને તેમના પાકની લણણી માટે પૂરતો સમય મળે અને તે દરમિયાન હાથી અહીં રહે. અમે સુનિશ્ચિત કર્યું છે કે હાથીઓ લગભગ એક મહિના સુધી આ વિસ્તારમાં રહે.
એક સફળ પ્રયાસ : હાતી બંધુને માનવ-હાથીના સંઘર્ષને રોકવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ સમાજના વિવિધ ક્ષેત્રો તરફથી પ્રશંસા અને માન્યતા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી બોરાની ટીમ, તેમની પત્ની મેઘના મયુર હજારિકાના સહયોગથી હાથીઓના પ્રિય ખોરાકમાંથી એક નેપિયર ઘાસની ખેતી કરીને પહાડી પ્રદેશના લીલાછમ ઢોળાવમાં જંગલી હાથીઓને વ્યસ્ત રાખવામાં સફળ રહી છે.
મનુષ્ય-હાથી વચ્ચે પ્રેમભર્યો માહોલ : નાગાંવ-કાર્બી આંગલોંગ બોર્ડર પર રોંગહાંગ ગામ પાસે પહાડો પર ઉગાડવામાં આવેલા નેપિયર ઘાસનો મોટો ભાગ જંગલી હાથીઓ ખાઈ ગયા છે. બોરા અને તેમની પત્ની હાથીઓની કાળજીપૂર્વક દેખરેખ રાખે છે. કારણ કે તેઓ ખેતી કરેલા ખોરાકનો આનંદ માણે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે ખેડૂતો તેમના પાકની લણણી પૂર્ણ કરી શકે, જ્યારે હાથી નેપિયર ઘાસને માણવામાં વ્યસ્ત હોય. આમ મનુષ્ય અને હાથીઓ વચ્ચે સુમેળભર્યા સહ-અસ્તિત્વને પ્રોત્સાહન મળે છે.