નવી દિલ્હીઃ ભારતની યજમાનીમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતે 2011માં વર્લ્ડ કપની યજમાની કરી હતી. આ વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો. આ વર્ષે પણ ભારતને વિશ્વ કપ વિજેતા તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 1975થી અત્યાર સુધી કુલ 12 વિશ્વ કપનું આયોજન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં એમ બે વાર વર્લ્ડ કપ વિજેતા બની ચૂકી છે. જ્યારે 2003માં ભારતે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમાચારમાં અમે તમને 1975થી લઈને 2019 સુધીની ઈન્ડિય ટીમના વર્લ્ડ કપમાં પ્રદર્શન વિશે જણાવીશું.
1975 વર્લ્ડ કપઃ ભારત પાંચમા ક્રમે રહ્યું હતું.
ઈંગ્લેન્ડમાં ક્રિકેટના પ્રથમ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતની ટીમના કેપ્ટન એસ. વેંકટરાઘવન હતા. આ વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહતું. ભારતને 3 મેચમાંથી 1 મેચમાં ઈસ્ટ આફ્રિકા સામે જીત મળી હતી. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં 5મા સ્થાને રહી હતી. આ વિશ્વ કપની વિજેતા ટીમ વેસ્ટઈન્ડિઝ રહી હતી.
ટીમ સ્કવોડઃ શ્રીનિવાસ વેંકટરાઘવન (કેપ્ટન), સૈયદ આબિદ અલી, મોહિંદર અમરનાથ, બિશન સિંહ બેદી(વાઈસ કેપ્ટન), ફારુક એન્જિનિયર (વિકેટ કીપર), અંશુમાન ગાયકવાડ, સુનિલ ગવાસ્કર, કરસન ઘાવરી, મદન લાલ, બ્રિજેશ પટેલ, એકનાથ સોલકર, ગુંડપ્પા વિશ્વનાથ, સૈયદ કિરમાણી(વિકેટકીપર)
1979 વર્લ્ડ કપઃ ભારત સાતમા ક્રમે રહ્યું હતું.
1979માં યોજાયેલા વર્લ્ડ કપની યજમાની પણ ઈંગ્લેન્ડે કરી હતી. ભારતના કેપ્ટન પણ એસ. વેંકટરાઘવન હતા. 1975ના વર્લ્ડ કપ કરતા પણ ખરાબ પ્રદર્શન 1979માં ભારતીય ટીમનું રહ્યું. ભારત ત્રણેય મેચ હારીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ભારતને વેસ્ટ ઈન્ડિઝે 9 અને ન્યૂઝિલેન્ડે 8 વિકેટથી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં ભારતને શ્રીલંકા જેવી નબળી ટીમે પણ હરાવી દીધું હતું. ભારત આ વર્લ્ડ કપમાં સાતમા સ્થાને રહ્યું હતું. જ્યારે વેસ્ટઈન્ડિઝ બીજી વાર વિશ્વવિજેતા બન્યું હતું.
ટીમ સ્કવોડઃ શ્રીનિવાસ વેંકટરાઘવન (કેપ્ટન), મોહિંદર અમરનાથ, બિશન સિંહ બેદી, અંશુમાન ગાયકવાડ, સુનિલ ગવાસ્કર(વાઈસ કેપ્ટન), કરસન ઘાવરી, કપિલ દેવ, સુરિંદર ખત્રા (વિકેટ કીપર), બ્રિજેશ પટેલ, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, ભરત રેડ્ડી, યજુરવિન્દ્ર સિંહ, યશપાલ શર્મા.
1983 વર્લ્ડ કપઃ ભારત ચેમ્પિયન બન્યું હતું.
આ વર્લ્ડ કપનું આયોજન પણ ઈંગ્લેન્ડમાં થયું હતું. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા ભારતને એક નબળી ટીમ સમજવામાં આવતી હતી. પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સામે પણ હારી ગઈ હતી. જેવી મુખ્ય રાઉન્ડની મેચો શરૂ થઈ કે તરત જ ભારતીય ખેલાડીઓ ફોર્મમાં આવી ગયા. ભારતે લીગ રાઉન્ડમાં વેસ્ટઈન્ડિઝ જેવી મજબૂત ટીમને પણ હરાવી દીધી હતી. કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝને 43 રનોથી હરાવી દીધી હતી.
ટીમ સ્કવોડઃ કપિલ દેવ (કેપ્ટન), મોહિંદર અમરનાથ(વાઈસ કેપ્ટન), કીર્તિ આઝાદ, રોજર બિન્ની, સુનિલ ગવાસ્કર, સૈયદ કિરમાણી(વિકેટ કીપર), મદન લાલ, સંદીપ પાટીલ, બલવિંદર સંધૂ, યશપાલ શર્મા, રવિ શાસ્ત્રી, કૃષ્ણામાચારી શ્રીકાંત, સુનિલ વાલ્સન, દિલીપ વેંગસરકર
1985 વર્લ્ડ કપઃ ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું હતું.
ભારત અને પાકિસ્તાને સંયુક્ત રીતે 1987ના વિશ્વ કપની યજમાની કરી હતી. પહેલીવાર વિશ્વ કપ 60ના બદલે 50 ઓવરનો રમાયો હતો. કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો અને સેમિફાઈનલ સુધી પહોંચી ગયું હતું. ઈંગ્લેન્ડે ભારતને સેમિફાઈનલમાં હરાવી દીધું હતું. ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં ભારતના ફાસ્ટ બોલર ચેતન શર્માએ વર્લ્ડકપની પહેલી હેટ્રિક લીધી હતી. ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
ટીમ સ્કવોડઃ કપિલ દેવ(કેપ્ટન), કૃષ્ણમાચારી શ્રીકાંત, દિલીપ વેંગસરકર(વાઈસ કેપ્ટન), મોહમ્મદ અઝરુદ્દીન, રોજર બિન્ની, સુનિલ ગવાસ્કર, મનિન્દર સિંહ, કિરણ મોરે(વિકેટ કીપર), ચંદ્રકાંત પંડિત, મનોજ પ્રભાકર, ચેતન શર્મા, રવિ શાસ્ત્રી, નવજોત સિંહ સિદ્ધુ, લક્ષ્મણ શિવરામકૃષ્ણન.
1992 વર્લ્ડ કપઃ ભારત સાતમા સ્થાને રહ્યું હતું.
ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર સંયુક્ત રીતે વર્લ્ડ કપની યજમાની કરી હતી. મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપ હેઠળ આ કપમાં ભારતનું મિક્ષ પર્ફોર્મન્સ રહ્યું હતું. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે સામાન્ય સ્કોરથી હારી ગઈ. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો આ પ્રથમ વર્લ્ડ કપ હતો. આ વર્લ્ડ કપમાં ભારત 7મા નંબરે રહ્યું હતું. ફાઈનલમાં ઈમરાન ખાનની કેપ્ટન શિપમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
ટીમ સ્કવોડઃ મોહમ્મદ અઝહરુદ્દીન(કેપ્ટન), સુબ્રતો બેનર્જી, સચિન તેંડુલકર, અજય જાડેજા, વિનોદ કાંબલી, કપિલ દેવ, રવિ શાસ્ત્રી(વાઈસ કેપ્ટન), સંજય માંજરેકર, કિરણ મોરે(વિકેટ કીપર), મનોજ પ્રભાકર, વેંકટપતિ રાજુ, કૃષ્ણામાચારી શ્રીકાંત, જાવગલ શ્રીનાથ, પ્રવિણ આમરે
1996 વર્લ્ડ કપઃ ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું હતું.
1996ના વર્લ્ડ કપની યજમાની ભારતે કરી હતી. મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયાને જીતના પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. ભારતે કેન્યા અને વેસ્ટઈન્ડિઝને હરાવીને સારી શરૂઆત કરી હતી. ભારતે ક્વાર્ટર ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી દીધું. સેમિફાઈનલમાં શ્રીલંકાએ ભારતને હરાવી દીધું. ફાઈનલમાં શ્રીલંકાએ ન્યૂઝિલેન્ડને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.
ટીમ સ્કવોડઃ મોહમ્મદ અઝહરુદ્દીન (કેપ્ટન), સચિન તેંડુલકર (વાઈસ કેપ્ટન), વિનોદ કાંબલી, આશીષ કપૂર, અનિલ કુંબલે, સંજય માંજરેકર, નયન મોંગિયા(વિકેટ કીપર), મનોજ પ્રભાકર, વેંકટેશ પ્રસાદ, નવજોત સિંહ સિદ્ધુ, જાવગલ શ્રીનાથ, અજય જાડેજા, સલિલ અંકોલા, વેંકટપતિ રાજુ
1999 વર્લ્ડ કપઃ ભારત છઠ્ઠા સ્થાને રહ્યું હતું.
આ વર્લ્ડ કપની યજમાની ઈંગ્લેન્ડે કરી હતી. ભારતીય ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતા. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં છઠ્ઠા સ્થાને રહ્યું હતું. ભારત લીગ મેચમાં પાકિસ્તાન, શ્રીલંકાને હરાવીને ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી ગયું હતું. ક્વાર્ટર ફાઈનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા બીજી વાર વર્લ્ડ ચેમ્પ્યિન બન્યું હતું.
ટીમ સ્કવોડઃ મોહમ્મદ અઝહરુદ્દીન(કેપ્ટન), સૌરવ ગાંગુલી, અજય જાડેજા(વાઈસ કેપ્ટન), સદગૌપ્પન રમેશ, રાહુલ દ્રવિડ, રોબિન સિંહ, અજિત અગરકર, અનિલ કુંબલે, નયન મોંગિયા (વિકેટ કીપર), સચિન તેડુંલકર, વેંકટેશ પ્રસાદ, નિખિલ ચોપરા, દેબાસીસ મોહંતી, જાવગલ શ્રીનાથ, અમય ખુરાસિયા
2003 વર્લ્ડ કપઃ ભારત ફાઈનલ સુધી પહોંચ્યું હતું.
આ વર્લ્ડ કપમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા. આ વર્લ્ડ કપની યજમાની પ્રથમ વખત સાઉથ આફ્રિકાએ કરી હતી. ભારતીય ટીમે સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યુ હતું. ભારતે ઓસ્ટ્રેલિયા સિવાય દરેક ટીમને હરાવી દીધી હતી. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવીને ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનાવાનું સપનું તોડી નાંખ્યું હતું.
ટીમ સ્કવોડઃ સૌરવ ગાંગુલી(કેપ્ટન), રાહુલ દ્રવિડ(વાઈસ કેપ્ટન, વિકેટ કીપર), વિરેન્દ્ર સહવાગ, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, મોહમ્મદ કેફ, હરભજન સિંહ, જાવગલ શ્રીનાથ, જાહિર ખાન, અનિલ કુંબલે, પાર્થિવ પટેલ(વિકેટ કીપર), દિનેશ મોંગિયા, સંજય બાંગર, આશીષ નેહરા, અજીત અગરકર
2007 વર્લ્ડ કપઃ ભારત 9મા સ્થાને પહોંચ્યું હતું.
આ વર્લ્ડ કપની યજમાની સાઉથ આફ્રિકાએ કરી હતી. આ વર્લ્ડ કપ ભારત માટે અત્યંત ખરાબ રહ્યો. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, યુવરાજ સિંહ જેવા સુપરસ્ટાર ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ બાંગ્લાદેશ જેવી નબળી ટીમથી પણ હારી અને ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં 9મા સ્થાને રહ્યું હતું. આ શરમજનક દેખાવ બાદ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે રાજીનામુ આપી દીધું હતું. રિકી પોન્ટિંગની કેપ્ટનશિપ વાળી ઓસ્ટ્રેલિયન ટીમ ચોથીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
ટીમ સ્કવોડઃ રાહુલ દ્રવિડ(કેપ્ટન), સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રોબિન ઉથપ્પા, વિરેન્દ્ર સહવાગ, યુવરાજ સિંહ (વાઈસ કેન્પટન), મહેન્દ્ર સિંહ ધોની(વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઈરફાન પઠાણ, અજીત અગરકર, હરભજન સિંહ, અનિલ કુંબલે, જહીર ખાન, એસ. શ્રીસંત, મુનાફ પટેલ.
2011 વર્લ્ડ કપઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની સંયુકત યજમાનીમાં આ વર્લ્ડ કપ રમાયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને બીજી વાર વર્લ્ડ કપ જીતી લીધો હતો. ભારતે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સેમિફાઈનલમાં પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હરાવી દીધી હતી. પોતાની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ રમતા સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર થયું. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટીમ સ્કવોડઃ મહેન્દ્ર સિંહ ધોની(કેપ્ટન/ વિકેટ કીપર), વીરેન્દ્ર સહવાગ (વાઈસ કેપ્ટન), ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, વિરાટ કોહલી, યુસુફ પઠાણ, જહીર ખાન, હરભજન સિંહ, આશીષ નહેરા, મુનાફ પટેલ, એસ શ્રીસંત, પીયુષ ચાવલા, આર અશ્વિન
2015 વર્લ્ડ કપઃ ભારત સેમીફાઈનલ સુધી પહોંચ્યું હતું.
2015નો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાયો હતો. ભારતે શાનદાન પ્રદર્શન કરીને સેમીફાઈનલ સુધી પહોંચી ગયું હતું. જો કે ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં ભારતને પછાડીને ભારતની ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડ્યું હતું. ભારત તરફથી વિરાટ કોહલી, શિખર ધવન અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ફાઈનલમાં ન્યૂઝિલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા પાંચમીવાર વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ હતી.
ટીમ સ્કવોડઃ એમ.એસ. ધોની(કેપ્ટન/ વિકેટ કીપર), વિરાટ કોહલી(વાઈસ કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, શિખર ધવન, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, આંજિક્ય રહાણે, સુરેશ રૈના, અંબાતી રાયડુ(વિકેટ કીપર), મોહમ્મદ શામી, મોહિત શર્મા, રોહિત શર્મા, ઉમેશ યાદવ.
2019 વર્લ્ડ કપઃ ભારત સેમીફાઈનલ સુધી પહોંચી ગયું હતું.
2019 વર્લ્ડ કપની યજમાની ઈંગ્લેન્ડે કરી હતી. વિરાટ કોહલીની કેપ્ટન શિપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં એકવાર વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને સેમીફાઈનલ સુધી પહોંચી ગયું હતું. સેમીફાઈનલમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. ભારત ન્યૂઝિલેન્ડ સામે હારી અને વર્લ્ડ કપથી બહાર નીકળી ગઈ હતી. આ મેચમાં ધોનીનું રનઆઉટ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના હૃદયમાં વસેલું છે. આ મેચ ધોનીની છેલ્લી વન ડે હતી અને તેમણે વન ડે ક્રિકેટ ફોર્મેટમાંથી સન્યાસ લઈ લીધો હતો. ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ સમગ્ર ટૂર્નામેન્ટમાં 5 સેન્ચ્યુરી બનાવી હતી. ફાઈનલમાં ન્યૂઝિલેન્ડને હરાવીને ક્રિકેટ જન્મદાતા દેશ ઈંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.
ટીમ સ્કવોડઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), એમ.એસ. ધોની(વિકેટ કીપર), કેએલ રાહુલ, દિનેશ કાર્તિક(વિકેટ કીપર), ઋષભ પંત, શિખર ધવન, વિજય શંકર, કેદાર જાધવ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી