ઝાંસીઃ શહેરની મિશનરી કોલેજમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામનો સુત્રોચ્ચાર કર્યો હતો. જેમાં કોલેજે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલાએ હવે જોર પકડ્યું છે. હિન્દુ સંગઠનોએ સમગ્ર મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. એબીવીપી અને અન્ય હિન્દુ સંગઠનોએ સ્કૂલ પર જઈને હંગામો મચાવી દીધો હતો. સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી. ટીડીઓએ આશ્વાસન આપ્યા બાદ ટોળું વિખેરાયું હતું.
ઝાંસીના મઉરાનીપુર સ્થિત એક ઈન્ટર કોલેજમાં શુક્રવારે કેટલાક વિદ્યાર્થીઓએ જય શ્રી રામનો સુત્રોચ્ચાર કર્યો હતો. કોલેજે સુત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓને કેટલાક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. શનિવારે આ મામલાએ વધુ જોર પકડ્યું છે. એબીવીપી અને અન્ય હિન્દુ સંગઠનોએ કોલેજની બહાર ભારે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિરોધ પ્રદર્શનમાં જય શ્રી રામનો સુત્રોચ્ચાર કર્યો અને કોલેજ એડમિનિસ્ટ્રેશનના નામનું પૂતળુ પણ ફૂંકી માર્યુ હતું.
સમગ્ર મામલાની જાણ થતા મઉરાનીપુરના ટીડીઓ અને પોલીસ વિભાગ ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ટીડીઓ અને પોલીસે ઉશ્કારાયેલા ટોળાને હૈયાધારણ આપીને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અધિકારીઓએ સાત દિવસની અંદર સમગ્ર મામલે દોષિતોને સજા કરવાની હૈયાધારણ આપી હતી.
વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ જણાવ્યું કે ભગવાન શ્રી રામનો સુત્રોચ્ચાર કરવા પર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા તે હળાહળ અન્યાય છે. કોલેજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ટીડીઓ મઉરાનીપુર મદન મોહન ગુપ્તાએ જણાવ્યું કે સમગ્ર પ્રકરણની તપાસ માટે સર્ચ કમિટિ બનાવી દેવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કોલેજ એડમિનિસ્ટ્રેશન તરફથી લેખિતમાં આ સમગ્ર મામલાને રદિયો આપવામાં આવ્યો છે.