- રાજ્યમાં દારુબંધીના કાયદાને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ
- દારુબંધીના કાયદાને લગતી તમામ માહિતી, મેળવો એક ક્લિકમાં
- ગુજરાત હાઈકોર્ટ આગામી સુનવણી 12 ઓક્ટોબરના રોજ કરશે
ન્યૂઝ ડેસ્ક: શું દારુ પીવું એ એક અધિકાર છે? આ પ્રશ્ન દારુબંધીના કાયદાને લઈને ગુજરાતમાં ઉઠવા પામ્યો છે. કદાચ આ અહેવાલ વાંચ્યા બાદ તમારા મનમાં પણ આ પ્રશ્ન ઉભો થશે. કારણ કે, તેને લગતી અરજી ગુજરાત હાઈકોર્ટે સ્વિકારી છે અને થોડા સમયમાં જ તેના પર સુનવણી શરૂ થશે.
શું છે સમગ્ર મામલો ?
ગોપનિયતાના અધિકાર (Right to Privacy) ને આધાર બનાવીને ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં દારુબંધીના કાયદાને ગોપનિયતાના અધિકારનું હનન ગણાવવામાં આવ્યો છે. કોર્ટ આ મામલે સુનવણી કરે કે નહીં, તેને લઈને પણ હાઈકોર્ટમાં ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ થવી જોઈએ, પરંતુ હાઈકોર્ટે ગુજરાત સરકારની આ અરજી રદ્દ કરી દીધી હતી અને દારુબંધીના કાયદાના વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુનવણી માટે તૈયાર થયા હતા. જેની આગામી સુનવણી 12 ઓક્ટોબરના રોજ થશે.
અરજીમાં શું જણાવવામાં આવ્યું છે?
- દારુબંધીના વિરુદ્ધમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘરની ચાર દિવાલોમાં લોકો શું ખાય છે, શું પીવે છે? સરકાર તેના પર રોક લગાવી શકે નહીં. અરજીમાં એ પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે, જે રાજ્યોમાં દારુબંધી નથી, ત્યાંથી જો કોઈ દારુ પીને આવે તો તેની સામે કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે?
- અરજદારના જણાવ્યા પ્રમાણે, દારુબંધીનો ઉદ્દેશ્ય શું છે, તેનો કાયદામાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. જોકે, કોર્ટમાં સરકાર તરફથી આ બાબતને નાગરિકોના સ્વાસ્થ્યના સંદર્ભમાં ગણાવવામાં આવી હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંદાજે 7 કરોડની વસતીમાંથી 21 હજાર લોકોને દારુ માટે પરમીટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિઝીટર અને ટૂરિસ્ટ પરમીટ જેવી અસ્થાયી પરમીટ 66 હજાર લોકોને આપવામાં આવી છે.
ગોપનિયતા, સમાનતા અને દારુ
- હકીકતમાં, ગુજરાત હાઇકોર્ટમાં આવી ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જે રાજ્યમાં દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવતા પ્રોહિબિશન એક્ટ 1949 ને પડકાર આપે છે. જેમાં, દારૂબંધીને સમાનતાનો અધિકાર અને ગોપનીયતાના ઉલ્લંઘન તરીકે વર્ણવવામાં આવ્યું છે.
- અરજીઓના જવાબમાં રાજ્ય સરકારનું કહેવું છે કે, વર્ષ 1951માં સુપ્રીમ કોર્ટે દારૂબંધી કાયદો માન્ય રાખ્યો હતો. જેના પર અરજદારો તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગોપનીયતાનો અધિકાર તે સમયે નહોતો. સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં ગોપનિયતાનો અધિકાર આપ્યો છે અને આ પ્રતિબંધ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
શું છે ગોપનિયતાનો અધિકાર?
વર્ષ 2017 માં સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય ખંડપીઠે સર્વસંમતિથી ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે, ગોપનીયતાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અધિકાર અને વ્યક્તિગત સ્વાતંત્ર્યની ખાતરીનો ભાગ છે. આ ગોપનીયતાના આધારે ગુજરાત હાઈકોર્ટમાં દારૂના પ્રતિબંધ સામે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ ઘરની 4 દિવાલોમાં દારૂ પીવાનો અધિકાર આપી શકાય છે.
શું છે દારુબંધીનો કાયદો?
1947માં દેશની આઝાદી બાદ બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 લાવવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત બોમ્બે રાજ્યનો એક ભાગ હતું. આ કાયદાની કલમ 12 અને 13 હેઠળ દારૂ બનાવવો, વેચવો અને પીવો પ્રતિબંધિત હતો. પછી 1 મે 1960 ના રોજ બોમ્બે રાજ્યને ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યું. ત્યારથી ગુજરાતે આ કાયદો અમલમાં રાખ્યો છે. 1951માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દારૂબંધીનો રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય હતો અને તેને રાજ્યનો અધિકાર ગણાવ્યો હતો. દેશના જે રાજ્યોમાં દારુબંધી અમલમાં છે તે સજાપાત્ર ગુનો હોવાથી ગેરકાયદેસર રીતે દારૂ બનાવવા અને વેચવા પર 10 વર્ષની કેદ, 5 લાખ રૂપિયાનો દંડ જેવી ગંભીર સજાની જોગવાઈ રાખવામાં આવી છે.
શું દારુ પીવો એ મૌલિક અધિકાર છે?
- અગાઉ કેરલ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટે દારૂ પીવાની બાબતને મૂળભૂત અધિકાર નથી માન્યો. દારૂના વેચાણનો નિર્ણય રાજ્ય સરકારનો અધિકારક્ષેત્ર હોવાનું કહેવાય છે. ગુજરાતનું ઉદાહરણ લઈએ તો, જે કાયદા હેઠળ દારૂનું ઉત્પાદન, વેચાણ અને વેચાણ પર પ્રતિબંધ છે, તે કાયદો રાજ્યને પોતાની રીતે દારૂનું વેચાણ નિયમન કરવાની સત્તા આપે છે.
- વર્ષ 2016 માં બિહાર સરકારે રાજ્યમાં દારુબંધીનો કાયદો લાદ્યો હતો. આ કાયદાને બિહાર હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને કોર્ટે કાયદાની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. 2017 માં કેરલ હાઈકોર્ટે એક કેસમાં કહ્યું હતું કે, દારૂ પીવો એ ગોપનિયતાના અધિકારનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ આ આધાર પર સરકારને દારૂ પર પ્રતિબંધ મૂકવાના અધિકારથી રોકી શકાય નહીં.
- સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 21 હેઠળ ખાવા -પીવાના નિર્ણયને અધિકાર તરીકે ગણ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, જો નાગરિકોને કોઈ અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, તો સરકાર પાસે તેના માટે મજબૂત આધાર હોવો જોઈએ. સરકારના તે નિર્ણયથી લોકો અને દેશના કલ્યાણનો વિચાર કરવો જોઈએ. દારુબંધીનો અમલ કરતી સરકારો હંમેશા તેને જાહેર આરોગ્ય અને સમાજની સુખાકારી સાથે જોડે છે. હવે જોવાનું રહેશે કે આ વખતે ગુજરાત હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય કરે છે.