નવી દિલ્હીઃ લગભગ 50 વર્ષોથી કેનેડા ખાલીસ્તાની ચળવળ અને સમર્થકોને અભિવ્યક્તિની આઝાદી અને રાજકીય સમર્થનના નામે પ્રોત્સાહિત કરી રહ્યું છે. કેનેડા આ ખાલીસ્તાની સમર્થકો દ્વારા ધમકી, હિંસા તેમજ નાર્કોટિક્સની દાણચોરી સંદર્ભે મૌન ધારણ કરી લે છે. ખાલીસ્તાની સમર્થકોએ એર ઈન્ડિયાના વિમાન કનિષ્કમાં 1985માં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ હુમલો 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા પહેલા થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.
કનિષ્ટ વિમાન પર હુમલોઃ સૂત્રો અનુસાર કેનેડિયન એજન્સીની ઉદાસીનતાને લીધે જ કનિષ્ક વિમાન હુમલાનો મુખ્ય આરોપી તલવિંદર સિંહ પરમાર અને તેના ખાલીસ્તાની સમર્થકો બચી ગયા હતા. ચિંતાજનક બાબત એ છે કે આ તલવિંદર સિંહ પરમાર હવે કેનેડામાં ખાલીસ્તાની સમર્થકોનો નાયક બની બેઠો છે. તેમજ પ્રતિબંધિત સંસ્થા 'શીખ ફોર જસ્ટિસ'તેને સમર્થન આપી રહી છે. આ સંસ્થાએ પોતાના એક સેન્ટરનું નામ તલવિંદર સિંહ પરમારના નામ પર રાખ્યું છે.
2016માં ભારતીયો પર હુમલોઃ કેનેડામાં ખાલીસ્તાની સમર્થકો નિર્ભય રીતે ભારત વિરોધી ચળવળ ચલાવી રહ્યા છે. સૂત્રો અનુસાર છેલ્લા એક દસકાથી પંજાબમાં વકરતા આતંકવાદનો સીધો સંબંધ કેનેડામાં રહેતા ખાલીસ્તાની સમર્થકો સાથે હોવાનું જણાય છે. 2016 બાદ પંજાબમાં શીખો, હિન્દુઓ અને ખ્રીસ્તીઓને લક્ષ્ય બનાવીને હત્યા કરવામાં આવી હતી. જેમાં હરદીપ સિંહ નિજ્જરનો મુખ્ય ફાળો હતો. આ નિજ્જરની હત્યાથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદનો મધપુડો છેડાઈ ગયો હતો.
કેનેડાની બેવડી નીતિઃ કેનેડામાં ખાલીસ્તાનીઓ દ્વારા ભારતીયોને અને ડિપ્લોમેટ્સને વારંવાર ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવે છે. જે ગંભીર બાબત છે. કેનેડામાં હ્યુમન રાઈટ્સ મુદ્દે અલગ અલગ માપદંડ રાખવામાં આવ્યા છે. પંજાબના નાના નાના મુદ્દાઓ પર કેનેડા મજબૂત રીતે અવાજ ઉઠાવવામાં આવે છે. જ્યારે ખાલીસ્તાનીઓ દ્વારા હિંસા, નાર્કોટિક્સની હેરાફેરી તેમજ ખંડણી વસૂલવી જેવી ઘટનાઓમાં કેનેડા મૌન ધારણ કરી લે છે. કેનેડાના બેવડા ધોરણોથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે.
જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ મુક્યાઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન શીખ હરદીપ સિંઘ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો આરોપ મુક્યો હતો. તેમજ ભારતના એક ડિપ્લોમેટને ભારત હાંકી કાઢવામાં આવ્યા હતા. ભારતે આ દરેક આરોપોને નકારી કાઢ્યા હતા તેમજ કેનેડિયન ડિપ્લોમેટને ભારત છોડવાનો આદેશ કર્યો હતો.
20 સપ્ટેમ્બરે ભારતે એડવાઈઝરી જાહેર કરીઃ કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓને પરિણામે ભારતે 20 સપ્ટેમ્બરના રોજ કેનેડામાં રહેતા ભારતીયો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકામાં ખાસ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી હતી. ભારતે કડક પ્રતિક્રિયાના ભાગરૂપે કેનેડાના નાગરિકોને વીઝા આપવાનું અસ્થાઈ રીતે બંધ કરી દીધું હતું.