- 19 ઑક્ટોબરના શરદ પૂનમ, શરદ ઋતુની શરુઆત
- શરદ પૂનમના દિવસે મા લક્ષ્મી, ભગવાન શ્રીકૃષ્ણ અને ચંદ્રમાની પૂજાનું વિશેષ મહત્વ
- ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે ખીરનો પ્રસાદ
19 ઑક્ટોબરના શરદ પૂર્ણિમા (Sharad Purnima) છે. આસો મહિનાની પૂનમને શરદ પૂનમ (Sharad Poonam) અથવા કોજાગરી પૂનમના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે શરદ ઋતુ (Autumn)ની શરૂઆત થાય છે. આ કારણે આને શરદ પૂનમ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં શરદ પૂનમનું મહત્વપૂર્ણ સ્થાન છે. શરદ પૂનમના દિવસે મા લક્ષ્મી, ભગવાન શ્રીકૃષ્ણ અને ચંદ્રમાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ચંદ્રમાની રોશનીનો ખાસ પ્રભાવ માનવામાં આવે છે.
મંગળવારની રાતના શરદ પૂનમ મનાવવામાં આવશે
આ વખતે પૂનમ તિથિ 2 દિવસ રહેશે. મંગળવારની સાંજે પૂનમની તિથિ શરૂ થઈ જશે અને આખી રાત રહેશે. આ કારણે મંગળવારની રાતના જ શરદ પૂનમ મનાવવામાં આવશે. પૂનમની તિથિ બીજા દિવસે એટલે કે 20 ઑક્ટોબરના પણ આખો દિવસ રહેશે અને રાત્રે 8:26 વાગ્યે પૂર્ણ થશે.
ખીરને ચંદ્રમાના પ્રકાશમાં રાખવામાં આવે છે
શરદ પૂનમ પર ચંદ્રમા પોતાની સંપૂર્ણ કળાઓ અને તેજ સાથે ખીલે છે. પૌરાણિક માન્યતાઓ છે કે આ દિવસે ચંદ્રમાના કિરણોમાં અમૃત હોય છે. ઔષધીઓ ચંદ્રના પ્રકાશ દ્વારા અમૃતને શોષી લે છે. આ દિવસે દેવી લક્ષ્મીની આરાધનાની સાથે ખીરનો પ્રસાદ પણ ચાંદી કે અન્ય ધાતુના વાસણોમાં આખી રાત ચંદ્રના પ્રકાશમાં ખુલ્લો રાખવામાં આવે છે, જેથી ચંદ્રનો પ્રકાશ તે ખીર પર પડે. આ ખીરના પ્રસાદમાં તુલસીના પાન પણ ઉમેરવામાં આવે છે.
અનેક રોગોમાં મળે છે રાહત
એવી માન્યતા છે કે ચાંદીના વાસણમાં આખી રાત ચંદ્રમાની રોશનીમાં ખીર રાખવાથી તેમાં ઔષધીય ગુણો આવી જાય છે. આ ખીરને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, લોકો સ્વસ્થ રહે છે. અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. ખાસ કરીને માનસિક રોગોમાં, કારણ કે જ્યોતિષ પ્રમાણે ચંદ્ર મનનો કારક છે. આ ખીર દમના રોગીને ખવરાવવામાં આવે તો તેને આરામ મળે છે. આનાથી રોગીને શ્વાસ અને કફના કારણે થનારી તકલીફોમાં ઘટાડો આવે છે અને ઝડપથી સ્વાસ્થ્ય લાભ થાય છે.
આઁખોની રોશની વધારી શકાય છે
આ દિવસે ચામડીના રોગો અને આંખની સમસ્યાઓથી પીડાતા દર્દીઓને ચંદ્રના પ્રકાશથી લાભ મળે છે. આ દિવસે તંદુરસ્ત વ્યક્તિ પણ ચંદ્રના પ્રકાશમાં બેસીને અને ખીર ખાવાથી પોતાની રોગપ્રતિકારક શક્તિ અને આઁખોની રોશની વધારી કરી શકે છે.