ન્યૂઝ ડેસ્ક: પીઠનો દુખાવો ઘણો અકળાવી મૂકનારો હોય છે. ખાસ કરીને રોજિંદી પ્રવૃત્તિઓ અને વ્યવસાયિક કામમાં તેના કારણે અડચણ ઊભી થતી હોય છે અને કેટલીક વખત આ સમસ્યા એટલી તીવ્ર હોય છે કે, તેના કારણે વ્યક્તિને પોતાની જીવનશૈલી બદલી નાંખવાની ફરજ પડે છે. પીઠના દુખાવાથી પીડાતી કે પીઠની તકલીફને દૂર રાખવા ઇચ્છતી કોઇપણ વ્યક્તિએ પીઠ ટટ્ટાર રાખવા વિશે જાણકારી મેળવી અત્યંત જરૂરી છે. આ સ્થિતિ વિશે વધુ જાણકારી મેળવવા માટે તથા તેના વ્યવસ્થાપન વિશે સમજવા માટે અમે ફિઝિયોથેરેપિસ્ટ, ઓલ્ટરનેટિવ મેડિસિન પ્રેક્ટિશનર અને યોગ ટિચર ડો. જ્હાનવી કાથરાની સાથે વાતચીત કરી હતી.
કરોડનાં હાડકાં હરોળના સ્વરૂપમાં એક પછી એક ગોઠવાયેલાં હોય છે અને તેના આધારે એક માળખું તૈયાર થાય છે, જેમાં સ્નાયુઓ અને લિગામેન્ટ્સ જોડાઇને એક જટિલ રચના બને છે. તે મસલ ફાઇબર્સ સાથે જોડાયેલાં હોય છે, જેથી પીઠની ગતિવિધિ સુગમતાથી થઇ શકે છે.
હવે, આ રચનામાં કોઇપણ વિસંગતતા ઊભી થાય, ત્યારે પીઠમાં દુખાવો થાય છે, જેના કારણે હલન-ચલન કરતી વખતે કે આરામ કરવા દરમિયાન પણ પીઠ દુખે છે.
પીઠનો દુખાવો શા માટે થાય છે?
પીઠના દુખાવા માટે વધુ પડતી પ્રવૃત્તિ, કમજોરી, બેઠાડુ જીવનશૈલી જવાબદાર હોઇ શકે છે. આ સ્થિતિ પીઠની આંતરિક રચના અને વ્યક્તિની ફિટનેસ પર અવળી અસર કરે છે. આ ઉપરાંત હેવી વેઇટ લિફ્ટિંગ દરમિયાન કે પછી અચાનક જ મોટો આંચકો આવવાના કારણે પીઠના સ્નાયુઓ કે લિગામેન્ટ્સને ઇજા પહોંચવાથી પણ પીઠનો દુખાવો થઇ શકે છે.
થાક લાગ્યા પછી પણ વધુ પડતી પ્રવૃત્તિઓ કરવાને કારણે પીઠને ઇજા થઇ શકે છે અને શરીરમાં અગાઉથી દુખાવો થઇ રહ્યો હોય અને તેમાં ઉપર પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે, તો પીઠનો દુખાવો વકરી શકે છે. આ સિવાય, પીઠના સ્નાયુઓની કમજોરીને કારણે કે પછી પોષક તત્વોની ઊણપને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે.
ઉપરાંત, ઓછા પ્રમાણમાં પાણી પીવાથી પણ પીઠના દુખાવાની સમસ્યા સર્જાતી હોવાનું નોંધાયું છે. સાંવેદનિક તણાવ કે માનસિક હતાશા જેવાં કારણોને કારણે સ્નાયુઓ અત્યંત કમજોરી અનુભવે છે. વળી, વ્યગ્રતા, બેચેની જેવી સ્થિતિ પણ ગરદન અને પીઠના આંતરિક જોડાણ પર અવળી અસર પહોંચાડે છે.
તંદુરસ્ત પીઠ કોને કહેવાય?
પીઠનું પોશ્ચર યોગ્ય હોવું જોઇએ, પીઠ કે ખભો સુસ્ત ન હોવાં જોઇએ તેમજ ગરદનથી કમરની નીચે સુધીનો ભાગ સીધો, ટટ્ટાર હોવો જોઇએ.
પીઠના સ્નાયુઓ પૂરતા મજબૂત હોવા જોઇએ, શરીરના સ્નાયુઓના માળખાનો તે અતિ મહત્વનો ભાગ છે. જે શરીરનું મુખ્ય પોશ્ચર તૈયાર કરે છે. સ્નાયુઓમાં કોઇપણ પ્રકારની કમજોરી હોય, તો જરા અમથી ઇજા કે તણાવના કારણે નુકસાન થઇ શકે છે.
પીઠની તંદુરસ્તીમાં પોષણ મહત્વની ભૂમિકા ભજવે છે. પીઠની રચનાના બહેતર આરોગ્ય માટે પાણીની માત્રા તથા મહત્વનાં તેમજ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ જવાબદાર હોય છે.
તંદુરસ્ત રક્ત પરિભ્રમણ અને શરીરમાં ઓક્સિજનનો પૂરતો પ્રવાહ એ પીઠની તંદુરસ્તી સાથે સંકળાયેલાં સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે, તેમ છતાં તેની ભારે ઉપેક્ષા કરવામાં આવે છે.
શરીરમાં રહેલાં ઝેરી તત્વો લિવર, લિમ્ફેટિક તથા શરીરની અન્ય વ્યવસ્થામાં તણાવ ઊભો કરી શકે છે. જો આ ઝેરી તત્વોનો સમયસર શરીરમાંથી નિકાલ કરવામાં ન આવે, તો તે શરીરના સાંધા તથા સ્નાયુઓમાં જમા થાય છે, જેના કારણે જે-તે સાંધા કે સ્નાયુનું હલન-ચલન કરવામાં આવે, ત્યારે દુખાવો થાય છે.
પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા અથવા તેને દૂર રાખવા માટે શું કરવું?
ફિઝિયોથેરેપીઃ સ્ટ્રેચિંગ સેશન્સની સાથે પીઠ માટે સ્ટ્રેન્ધનિંગ અને કન્ડિશનિંગ. કરોડનાં હાડકાંઓ તથા લિગામેન્ટ્સના પ્રત્યેક ભાગ પર ધ્યાન આપવું જરૂરી છે. પીઠની પાછળના ભાગ – એટલે કે પેટના ભાગ પર ધ્યાન આપવું, પેટના ભાગની ફરતેના સ્નાયુઓ પૂરતા મજબૂત હોવા તથા નિતંબ – આ તમામ પીઠના મહત્વના ભાગો છે, કારણ કે તેઓ શરીરના કેન્દ્રને સંતુલિત રાખે છે.
યોગઃ યોગાસન શરીરને તંગ કરીને દુખાવામાંથી રાહત મેળવવામાં ઉપયોગી નીવડી શકે છે.
પોષણલક્ષી સલાહ મેળવવા માટે તથા વ્યાવસાયિક સહાય મેળવવા માટે યોગ્ય પ્રોફેશનલની સલાહ લેવી જોઇએ.
તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે jk.swasthya108@gmail.com પર ડો. જ્હાનવી કાથરાનીનો સંપર્ક કરો.