- 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસા સાથે જોડાયેલો છે ટૂલકિટ કેસ
- 14 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે બેંગ્લોરથી 19 વર્ષીય દિશા રવિની કરી હતી ધરપકડ
- દિશા સહિત શાંતનુ અને નિકિતા પર લાગ્યા છે આરોપ
ન્યૂ દિલ્હી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ ટૂલકિટ કેસમાં સહ-આરોપી શાંતનુ શિવલાલ મુલુકની આગોતરા જામીન અરજી પર આજે એટલે કે બુધવારે સુનાવણી હાથ ધરશે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણા શાંતનુની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરશે.
દિશા રવિને મળી ચૂક્યા છે જામીન
ગત 23 ફેબ્રુઆરીના રોજ કોર્ટે આરોપી દિશા રવિને જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો. આ અગાઉ બોમ્બે હાઈકોર્ટે શાંતનુને દિલ્હી ખાતે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થવા માટે 10 દિવસના આગોતરા પરિવહન જામીન આપ્યા હતા. શાંતનુની આગોતરા જામીન મુદત 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.
શાંતનુને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો
દિલ્હી પોલીસે ટૂલકિટ કેસમાં 14 ફેબ્રુઆરીના રોજ દિશા રવિની બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિશા રવિએ શાંતનુ અને નિકિતા પર આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા શાંતનુ અને નિકિતાને ગત 22 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસ ત્રણેયને આમને-સામને બેસાડીને પૂછપરછ કરી હતી.
ટૂલકિટ એડિટ કરી હોવાનો આરોપ
પોલીસે આરોપ લગાવ્યો છે કે, દિશા રવિએ ખેડૂતોના આંદોલનને લગતા ડોક્યુમેન્ટ શેર કર્યા હતા, જેને આંતરરાષ્ટ્રીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યાં હતા. દિશા પર ટૂલકિટ નામના તે દસ્તાવેજને એડિટ કરીને તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરવા અને તેને આગળ ફોરવર્ડ કરવાનો આરોપ છે.