એર્નાકુલમ: કેરળમાં 10,000 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેકશન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ કરી રહ્યું છે. ED કોચી સહિત રાજ્યમાં 20 થી વધુ સ્થળોએ દરોડા પાડી રહી છે. મુખ્યત્વે પેન્રા મેનકા શોપિંગ કોમ્પલેક્ષ, કોચીના મુખ્ય શોપિંગ સેન્ટર, બ્રોડવે અને ઈલેક્ટ્રોનિક્સ જથ્થાબંધ દુકાનો અને મોબાઈલ એસેસરીઝની જથ્થાબંધ દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
વ્યાપારી સંસ્થાની આડ : ED ને શંકા છે કે કોચીમાં વ્યાપારી સંસ્થાઓની આડમાં દરરોજ આશરે 50 કરોડ રૂપિયાના હવાલા વ્યવહાર કરવામાં આવે છે. EDની 150 સભ્યોની ટીમ રાજ્યમાં દરોડા પાડી રહી છે. જેમાં રાજ્ય બહારના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ હાજર હતા. મળતી માહિતી મુજબ સોમવારે સાંજે જ દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી.
દસ હજાર કરોડના વ્યવહાર : ED ના સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ એજન્સી પાસે નક્કર માહિતી છે કે કેરળના વિવિધ જિલ્લાઓમાં 20 થી વધુ હવાલા ઓપરેટર છે. તેમના દ્વારા 10,000 કરોડથી વધુના હવાલા વ્યવહારો કરવામાં આવ્યા છે. મહિનાઓની ગુપ્ત તપાસ બાદ જાણવા મળ્યું હતું કે વેપારી સંસ્થાઓની આડમાં મોટા પાયે હવાલા વ્યવહારો કરવામાં આવી રહ્યા છે.
કોચી હવાલા ટ્રાન્ઝેક્શનનું કેન્દ્ર : કાળા નાણાનો પર્દાફાશ કરવા માટે ED દ્વારા રાજ્યમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો છે. ED અનુસાર, કોચી રાજ્યમાં હવાલા ટ્રાન્ઝેક્શનનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે. EDના અધિકારીઓ સંકેત આપી રહ્યા છે કે કોચીમાં તપાસ દરમિયાન કાળું નાણું ઝડપાયું છે. EDની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ આ સંદર્ભમાં પુષ્ટિ કરવામાં આવશે.