પટના: વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા લેખિત બંધારણ તરીકે ગણાતા ભારતના બંધારણનું ઘડતર દૂરંદેશીઓના એક સમૂહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાંના એક હતા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.
બંધારણમાં રાજેન્દ્ર પ્રસાદનું રહ્યું યોગદાન
આ મહાન વિભૂતિ 36 એવા વ્યક્તિઓ પૈકીના એક હતા જેમનો બંધારણ સભામાં સમાવેશ બિહારમાંથી કરાયો હતો. તેમની ચૂંટણી 11 ડિસેમ્બર 1946ના રોજ બંધારણના સ્થાયી અધ્યક્ષ તરીકે થઈ હતી. ઇટીવી ભારત અને રાજેન્દ્રબાબુના પૌત્રી તારા સિંહા વચ્ચેની એક વાતચીતમાં તારા સિંહાએ કહ્યું કે, ભારતીય બંધારણ ઘડવામાં ડૉ. પ્રસાદની ભૂમિકાની ક્યારેય ચર્ચા જ નથી થઈ.
તારા સિંહાએ એમ પણ કહ્યું કે, એ રાજેન્દ્રબાબુનું માર્ગદર્શન હતું જેના હેઠળ બંધારણ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક ઘડાયું. તેમણે કહ્યું કે, બંધારણમાં પ્રથમ છાપ ડૉ. પ્રસાદની રહેલી છે.
તારા સિંહાએ ભારપૂર્વક કહ્યું કે, બંધારણની રચનાના સંદર્ભમાં લોકો પાસે ઓછી માહિતી છે.
તેમણે એ હકીકત પર નિરાશા વ્યક્ત કરી હતી કે, બંધારણની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા છતાં ડૉ.પ્રસાદ બંધારણના ઇતિહાસના ભાગ્યે જ ભાગ બની શક્યા છે.
રાજકીય વિશ્લેષક ડી.એમ.દિવાકરે બંધારણમાં સંતુલન અંગે કરી વાત
રાજકીય વિશ્લેષક ડી.એમ.દિવાકર, જે એ.એન.સિંહા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સૉશિયલ સ્ટડિઝના પૂર્વ નિયામક છે, તેમણે અંગ્રેજોના શાસન પછી ભારતના બંધારણમાં દક્ષિણ અને ઉત્તર વચ્ચે સંતુલન સર્જવાના પડકાર વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું, 'આ સંદર્ભમાં ડૉ. પ્રસાદનું પ્રદાન અવિસ્મરણીય છે. વર્તમાન તેમજ ભાવિ પાસાંઓને ધ્યાનમાં રાખીને જે નિષ્ઠા સાથે બંધારણ ઘડવામાં આવ્યું તે શક્ય બન્યું હોય તો તે ડૉ.પ્રસાદની ભૂમિકાના કારણે જ શક્ય બન્યું.' દિવાકર માને છે કે, ભારતીય બંધારણમાં જે કંઈ મહત્ત્વના નિર્ણયો કે અધિકારો સમાવવામાં આવ્યા તેને ડૉ.પ્રસાદની સંમતિ અને તેમાં તેમનું પ્રદાન હતું.
રાજેન્દ્ર મેમોરિયલ મ્યૂઝિયમના અધ્યક્ષ મનોજ વર્માનો મત છે કે, ભારતીય બંધારણમાં રાજેન્દ્રબાબુનું પ્રદાન અન્ય કોઈ પણ દૂરંદેશી કરતાં ઘણું મોટું હતું. બંધારણ ઘડવાની શરૂઆત 13 ડિસેમ્બર 1946ના રોજ થઈ અને પૂર્ણાહુતિ ડિસેમ્બર 1949ના રોજ થઈ. ભારતની બંધારણ સભામાં 292 પ્રદેશ અને 93 રજવાડાંના 389 સભ્યો હતા અને બલોચિસ્તાન સહિત ચાર પ્રદેશોના મુખ્ય કમિશનર હતા.
દેશના ભાગલા પછી મુસ્લિમ લીગના સભ્યો તેમાંથી નીકળી જતા સભાની કુલ સંખ્યા ઘટીને 299 થઈ ગઈ હતી.