ચેન્નાઈઃ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને સોમવારે ચેન્નાઈના પ્રેસિડેન્સી કોલેજમાં પૂર્વ વડા પ્રધાન વી. પી. સિંહની આદમકદ મૂર્તિનું અનાવરણ કર્યું છે. કોલેજ પરિસરમાં હયાત આ મૂર્તિ વી. પી. સિંહના પ્રભાવશાળી વારસાને શ્રદ્ધાંજલિ સમાન છે.
સ્ટાલિને સમાજવાદી પાર્ટી નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ તેમજ વી. પી. સિંહના પરિવારજનોની ઉપસ્થિતિમાં આ મૂર્તિનું અનાવરણ કર્યુ. આ સમગ્ર ઘટનામાં નેતાઓએ સદગત વડા પ્રધાનના ફોટોને પુષ્પાંજલિ આપી હતી ત્યારે વાતાવરણ કરુણ બની ગયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વી.પી. સિંહના પરિવારના સભ્યોનું યથા યોગ્ય સન્માન પણ કર્યુ હતું. પૂર્વ વડા પ્રધાન વી. પી. સિંહે તેમના જીવનમાં કરેલા સદકાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તેમના માનવતાવાદી અભિગમને પણ પ્રશંસવામાં આવ્યો હતો.
એપ્રિલમાં મુખ્ય પ્રધાન સ્ટાલિને વી. પી. સિંહના સન્માનમાં એક આદમકદ મૂર્તિ બનાવાના નિર્ણયની જાહેરાત કરી હતી. આ નિર્ણયમાં બી. પી. મંડળ આયોગની ભલામણોનો પણ સમાવેશ થાય છે. જેના પરિણામે કેન્દ્ર સરકારની નોકરીઓમાં પછાત વર્ગોને 27 ટકા અનામતનો લાભ મળ્યો. જેમાં વી. પી. સિંહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમના યોગદાનને યોગ્ય સન્માન આપવા માટે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે.
આ સમારંભ વી. પી. સિંહે મેળવેલ સિદ્ધિઓનું જ નહિ પરંતુ સામાજિક ન્યાય માટે તેમની પ્રતિબદ્ધતાના માનમાં યોજવામાં આવ્યો હતો. વી. પી. સિંહે તેમના કાર્યકાળ દરમિયાન જે વિકાસકાર્યો કર્યા તેની યાદમાં આ મૂર્તિ મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ, વી.પી. સિંહના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.