હરિયાણાઃ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, હરિયાણા, પંજાબ તથા હિમાચલ પ્રદેશના રાજ્યપાલો અને હરિયાણાના કૃષિ મંત્રી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુળની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રામનાથ કોવિંદ, સવિતા કોવિંદ, બાંડારુ દત્તાત્રેયજી, શિવ પ્રતાપ શુક્લા અને બનવારીલાલ પુરોહિતજી તથા મંત્રી જે.પી.દલાલજીને કાર્ટમાં બેસાડીને ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ફેરવ્યા હતા. ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની વિગતોથી મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. તમામ મહાનુભાવોએ ગુરુકુળ કુરુક્ષેત્ર અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પ્રાકૃતિક કૃષિનું મહત્વ વર્ણવતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઃ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુલની મુલાકાત બાદ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું ઈચ્છું છું કે,આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે.પહેલાં આપણે યુરીયા અને પેસ્ટીસાઈડ્સનો બેફામ ઉપયોગ કર્યો.એ પછી આપણે જૈવિક ખેતી તરફ વળ્યા તેમાં પણ આપણને જોઈએ એવી સફળતા નથી મળી. ભારતની ખેતીની જે મૂળભૂત પ્રાચીન પરંપરા છે તે પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતીને આપણે શક્ય તેટલી ઝડપથી સ્વીકારીશું તો સમગ્ર દેશને લાભ થશે. ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છીએ. ભારતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો મોટો જશ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને જાય છે. તેઓ પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આચાર્ય દેવવ્રતજી જે ગુરુકુળના આચાર્ય છે એ ગુરુકુળ પણ ભવ્ય છે. અહીં ભારતીય મૂલ્યો અને પ્રાચીન પરંપરાની સાથે સાથે આધુનિકતાનો તાલમેળનો મને અનુભવ થયો.ગુરુકુળની જે કલ્પના હોય એવું ગુરુકુળ અહીં સાકાર થયું છે.
હું ઈચ્છું છું કે આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે : શ્રી રામનાથ કોવિંદ
એક પૂર્વ રાષ્ટ્રપતિ અને 3 રાજ્યપાલની સહિયારી મુલાકાતઃ હરિયાણાના રાજ્યપાલ બાંડારુ દત્તાત્રેયજી, પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતજી તથા હિમાચલ પ્રદેશના ગવર્નર શિવ પ્રતાપ શુક્લા અને હરિયાણાના કૃષિ મંત્રી જે.પી.દલાલજીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુળની મુલાકાત લીધી હતી. મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મહાનુભાવોએ ફાર્મમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગેલા સ્વાદિષ્ટ ફળ કમલમ્ અને જામફળની મજા માણી હતી.