- મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત
- મુંબઈ રહેતો પુત્ર થોડા દિવસ અગાઉ જ આવ્યો હતો ગામડે
- ગણતરીના કલાકોમાં જ આખો પરિવાર થઈ ગયો તબાહ
સાંગલી: શિરલા તાલુકાના શિરશીમાં માત્ર 13 કલાકમાં એક સમગ્ર પરિવાર કોરોનામાં હોમાઈ ગયું છે. પિતા, માતા અને ત્યારબાદ પુત્રનું 13 કલાકમાં કોરોનાથી મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પુત્ર 15 દિવસ અગાઉ જ મુંબઈથી ગામડે આવ્યો હતો
ઝીમુર પરિવાર સાંગલીના ડુંગરાળ વિસ્તાર શિરશીમાં રહે છે. પુત્ર સચિન મહાદેવ ઝિમુર એક સોફ્ટવેર એન્જિનિયર છે. જે 15 દિવસ પહેલા મુંબઈથી પોતાના ગામે પરત આવ્યો હતો. આ દરમિયાન તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારબાદ તેના પિતા પણ કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસો બાદ માતાપિતાની સ્થિતિમાં સુધારો થયો હતો. જોકે, તેના પિતાની તબિયત ફરી કથળી હતી. આ દરમિયાન પુત્ર સચિન પણ કોરોના સંક્રમિત થતા સમગ્ર પરિવાર કોરોનાના ભરડામાં આવી ગયું હતું.
પરિવારજનોમાં ગમગિનીભર્યા દ્રશ્યો સર્જાયા
બુધવારે સવારે 5 વાગ્યે સારવાર દરમિયાન પિતાનું મોત નિપજ્યું હતું. પિતાના મોત સમયે પુત્ર અને માતા બન્નેની વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી રહી હતી. જેથી ફક્ત સંબંધીઓએ જ પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કાર બાદ સાંજે 5 વાગ્યે માતાનું મોત નિપજ્યું હતું. મૃત્યુના સમાચાર સગાસંબંધીઓ સુધી પહોંચ્યા, ત્યાં સુધીમાં સચિનનું પણ મોત નિપજ્યું હતું. એક સમગ્ર પરિવાર કોરોનાને કારણે આ પ્રકારે માત્ર 13 કલાકના સમયમાં જ ખતમ થતા પરિવારમાં ગમગિનીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.