દિલ્હી : મહાદેવ સટ્ટાબાજી એપ કેસ મામલે ED દ્વારા નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સોમવારના રોજ ED એ રાયપુરની વિશેષ અદાલતમાં લગભગ 1700 થી 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં 5 આરોપીઓના નામ છે.
મહાદેવ સટ્ટાબાજી કેસમાં નવી ચાર્જશીટ : મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં એપના સંચાલક આરોપી રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકર પર ED દ્વારા કાર્યવાહીને વધુ તેજ કરવામાં આવી છે. ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધારે રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. દુબઈમાં સૌરભ ચંદ્રાકરની કોઈપણ પ્રકારની ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાયપુરની વિશેષ અદાલતમાં નવી ચાર્જશીટ દાખલ કરીને બંને આરોપીઓના પ્રત્યાર્પણ અંગે આ દસ્તાવેજ દુબઈ સાથે શેર કરવામાં આવશે.
આરોપી કોણ ? આ કેસમાં અગાઉ 21 ઓક્ટોબરના રોજ ED એ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 14 લોકોના નામ સામેલ હતા. આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ લગભગ 1800 પાનાની બીજી ચાર્જશીટ વિશેષ PMLA કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ, કથિત કેશ કુરિયર અસીમ દાસ, પોલીસ કોન્સ્ટેબલ ભીમસિંહ યાદવ સહિત એપ સાથે જોડાયેલા અન્ય આરોપી શુભમ સોનીના નામ છે.
આગામી સુનાવણી : કોર્ટે હજુ સુધી ફરિયાદી પક્ષની ફરિયાદની નોંધ લીધી નથી. ED ના વકીલ સૌરભ પાંડેએ જણાવ્યું હતું કે સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ 10 જાન્યુઆરીના રોજ ચાર્જશીટ પર સંજ્ઞાન લેશે તેવી અપેક્ષા છે. આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ થશે.
આરોપીની પત્નીના નામે સમન્સ : 28 ડિસેમ્બરના રોજ ભિલાઈમાં ED ની ટીમ ભિલાઈ મહાદેવ એપ કૌભાંડમાં ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ ભીમસિંહ યાદવના ઘરે પહોંચી હતી. ભીમસિંહ યાદવની પત્ની સીમા યાદવના નામ પર ED સમન્સ લઈને પહોંચી હતી. પરંતુ ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ED ની ટીમ કેટલાય કલાકો સુધી ત્યાં રાહ જોતી રહી. બાદમાં ઘરની સામે સમન્સ ચોંટાડીને ED ની ટીમ પરત ફરી હતી. ED ને જાણકારી મળી હતી કે, સીમા યાદવના ખાતામાં ઘણા મોટા ટ્રાન્ઝેક્શન થયા છે. ત્યારબાદ સીમા યાદવને પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા.
મહાદેવ સટ્ટાબાજી એપ કેસ :
7 નવેમ્બરના રોજ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 ના પ્રથમ તબક્કા પહેલા ED એ રાયપુરમાં મોટી કાર્યવાહી કરી હતી. ED એ અસીમ દાસ અને કોન્સ્ટેબલ ભીમસિંહ યાદવની ધરપકડ કરી હતી. અસીમ દાસ પાસેથી 508 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. કથિત કેશ કુરિયરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેને ભૂપેશ બઘેલ સુધી 508 કરોડ રૂપિયા પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું. ઉપરાંત આ પૈસા ચૂંટણીમાં વાપરવા માટે કહેવામાં આવ્યું છે.
આ દરમિયાન શુભમ સોનીએ મહાદેવ એપના માલિક હોવાનો દાવો કરતો એક વીડિયો જાહેર કર્યો હતો અને ED ને એફિડેવિટ મોકલી હતી. સોનીએ દાવો કર્યો હતો કે રાજકારણીઓ અને તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓએ એપ ચલાવવા માટે 508 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. છત્તીસગઢના તત્કાલિન સીએમ ભૂપેશ બઘેલે આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને તપાસનો વિષય ગણાવ્યો હતો.
આ દરમિયાન અસીમ દાસે રાયપુરની વિશેષ અદાલતમાં કહ્યું કે, તેને એક ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો છે અને તેણે ક્યારેય રાજકારણીઓને રોકડ રકમ પહોંચાડી નથી. પરંતુ 508 કરોડ રૂપિયાની લાંચ લેવાનો કથિત આરોપ કોંગ્રેસ પર ભારે પડ્યો અને 3 ડિસેમ્બરના રોજ કોંગ્રેસને છત્તીસગઢની સત્તામાંથી બહાર કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે મહાદેવ સટ્ટા એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ છત્તીસગઢના ભિલાઈ શહેરના રહેવાસી છે.