નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં હવે મુસાફરો દારૂની બોટલ સાથે મુસાફરી કરી શકશે. દિલ્હી મેટ્રોએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે દિલ્હી મેટ્રોમાં યાત્રી દીઠ દારૂની બે બોટલ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, બોટલ સીલ હોવી આવશ્યક છે. નવો ઓર્ડર તમામ મેટ્રો લાઇન પર લાગુ થશે.
સીલબંધ બોટલો લઈ જવાની મંજૂરી: મેટ્રોએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તેને માત્ર સીલબંધ બોટલો લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. મેટ્રોમાં દારૂ પીને કે દારૂ પીધા પછી ગેરવર્તન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિવેદન જારી કરીને દિલ્હી મેટ્રોએ મેટ્રોમાં દારૂ લઈ જવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.
1 મુસાફર બે બોટલ લઈ જઈ શકશે: દિલ્હી મેટ્રોના કોર્પોરેટ કોમ્યુનિકેશનના પ્રિન્સિપલ ડાયરેક્ટર અનુજ દયાલે જણાવ્યું કે અત્યાર સુધી માત્ર દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇનમાં જ દારૂની બોટલો લઇ જવાની મંજૂરી હતી. પરંતુ હવે મેટ્રોની અન્ય તમામ લાઈનોમાં તમે દારૂની બોટલ સાથે મુસાફરી કરી શકો છો. એક મુસાફર દીઠ દારૂની બે બોટલ સાથે મુસાફરી કરી શકે છે. અનુજ દયાલે જણાવ્યું કે DMRC અધિકારીઓ અને CISF અધિકારીઓએ મેટ્રોમાં દારૂના વહન પર પ્રતિબંધના નિર્ણયની સમીક્ષા કરી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મેટ્રોની તમામ લાઇન પર મંજૂરી: નોંધનીય છે કે અગાઉ મુસાફરો એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર દારૂની બોટલો લઇ મુસાફરી કરી શકતા હતા. પરંતુ હવે તેને તમામ લાઇન પર મંજૂરી આપવામાં આવતાં દારૂ પીનારા લોકોને સુવિધા મળી છે. હવે કોઈપણ વ્યક્તિ દિલ્હી-એનસીઆરમાં ક્યાંય પણ દારૂની બે બોટલ સાથે મુસાફર મેટ્રોમાં મુસાફરી કરી શકશે.