નવી દિલ્હીઃ આજે સવારે દિલ્હીના સાઉથ વેસ્ટ વિસ્તારમાં આર.કે. પુરમ સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી સ્કૂલને મેઈલ પર બોમ્બની ધમકી મળી હતી. શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા સત્વરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ બોમ્બ સ્કવોર્ડ સાથે શાળાએ પહોંચી ગઈ હતી. શાળાએ ફાયર બ્રિગેડ અને એમબ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. પોલીસે સત્વરે સમગ્ર શાળાન ખાલી કરાવી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રિન્સિપાલ રૂમની પાસે બોમ્બઃ લાલ બહાદૂર શાસ્ત્રી સ્કૂલ આર. કે. પૂરમ વિસ્તારના 3 નંબર સેક્ટરમાં આવેલી છે. સ્કૂલને એક અજાણ્યા આઈડી પરથી ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં પ્રિન્સિપાલના રૂમની આસપાસ બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી મળી હતી.
પરીક્ષામાં વિઘ્ન માટે ધમકીની આશંકાઃ પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સમગ્ર શાળા પરિસરની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોઘખોળમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી. તેથી પોલીસે આને ફેકથ્રેટ કોલ ગણાવ્યો છે. જ્યારે શાળાતંત્ર કહે છે કે શાળામાં પરીક્ષાઓ ચાલી રહી છે જેથી પરીક્ષામાં વિઘ્ન ઊભું કરવા માટે કોઈએ આ પગલું ભર્યુ હોવું જોઈએ. આ સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ કે શાળા તરફથી કોઈ આધિકારીક નિવેદન જાહેર થયું નથી.
અનેકવાર મળી છે ધમકીઓઃ ઉલ્લેખનીય છે કે 16મેના રોજ સાકેત સ્થિત અમૃતા પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળતા જ સમગ્ર સ્કૂલને ખાલી કરી દેવાઈ હતી. દરેક વિદ્યાર્થીને ઘરે મોકલી દેવાયા હતા. પોલીસ અને બોમ્બ સ્કવોર્ડે અમૃતા પબ્લિક સ્કૂલમાં સઘન સર્ચ ઓપરેશન કર્યું પરંતુ તેમને કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી. દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની ઘટના વારંવાર બની રહી છે.