આગ્રા : જિલ્લાના ખેરાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે સાયના-ખેરાગઢ રોડ પર ટેમ્પો અને કાર વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં પિતા-પુત્ર સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, કાર ચાલક નશામાં હતો. તેની શોધખોળ ચાલુ છે. અહીં અકસ્માતના સમાચાર મળતા જ પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો.
સાયના-ખેરાગઢ રોડ પર સોમવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે સાયનાનો ટેમ્પો પ્રવાસીને લઈને આવી રહ્યો હતો. ટેમ્પોમાં ચાલક સહિત દસ પ્રવાસીઓ સવાર હતા, ત્યારે સામેથી કાર આવી રહી હતી. માર્ગમાં દીનદયાલ મંદિર પાસે બંને વાહનો સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પોના ફુરચા ઉડી ગયા હતા અને હોબાળો થઈ ગયો હતો. - મહેશ કુમાર (ખેરાગઢના ACP)
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા : ખેરાગઢના ACP વધુમાં જણાવ્યું કે, ખેરાગઢ પોલીસ સ્ટેશનના નાગલા ઉદૈયા ગામના રહેવાસી ટેમ્પો સવાર જયપ્રકાશ, તેનો 12 વર્ષીય પુત્ર સુમિત, વૃદ્ધ બ્રજ મોહન શર્મા, ટેમ્પો ચાલક ભોલા નિવાસી આયલા અને ખેરાગઢના મનોજનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. માહિતી મળતા પોલીસ પહોંચી અને ઈજાગ્રસ્તોને સીએચસીમાં મોકલ્યા હતા. જ્યાંથી ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં એસએન મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
દારૂની મહેફિલનું આયોજન : ખેરાગઢના ACP મહેશ કુમારે જણાવ્યું કે, કાર ચાલક ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે. તપાસમાં સામે આવ્યું હતું કે, કાર ચાલક બંટીએ તેના બે સાથી પિંકુ અને બાનિયા સાથે ખેરાગઢમાં દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. બંનેને ગામમાં મૂકીને બંટી કારમાં ઘરે જઈ રહ્યો હતો. ડ્રાઈવર બંટી નશામાં હતો. પિંકુ અને બાનિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કાર ચાલક બંટીની શોધખોળ કરવામાં આવી રહી છે.