ભાગલપુર : ગુનો કરવા પાછળનો હેતુ ક્યારેક લોકોને આશ્ચર્યચકિત કરે છે. ભાગલપુરના નવાગાચિયાથી આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સિલીગુડીથી રજાઓ ગાળીને પરત ફરતી વખતે જ્યારે ચાર યુવકોની પજેરો ગાડીમાં ડીઝલ ખતમ થઈ ગયું. ત્યારે તેઓએ ભાગલપુરના નવાગાચિયા ખાતે પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી હતી. 10 મેના રોજ સવારે 1.40 કલાકે યુવકોએ કામદારને છરી બતાવીને ધાકધમકી આપીને લૂંટ કરી હતી. પોલીસે CCTVના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. અંતે ચાર પૈકી ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
શું હતો બનાવ ? પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ 10 મેની રાત્રે પવન બાબા ચકમૈદા પેટ્રોલ પંપના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો. આરોપીઓ પજેરો કારમાં આવ્યા હતા. તેઓએ ગાડીમાં ઓઈલ ભર્યું હતું. ત્યારબાદ છરી દેખાડી ડરાવી ધમકાવીને કર્મચારી પાસેથી પૈસાની લૂંટ ચલાવી હતી. ખાગરિયાના ચૌથમ પોલીસ સ્ટેશનના પરેહ ગામના રહેવાસી પેટ્રોલ પંપના કર્મચારી કૃષ્ણ પ્રકાશ અને બાંકા જિલ્લાના કજરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી સંજીવકુમારને લૂંટવામાં આવ્યા હતા.
ચારેય આરોપીઓ સિલીગુડીથી રજા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કારમાં ડીઝલ ખતમ થઈ ગયું હતું. તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા. તેઓ કારમાં ડીઝલ ભરવા પેટ્રોલ પંપ પર ગયા હતા. ટાંકી ભરાઈ ગયા બાદ બે કર્મચારીઓને છરી બતાવી ધાકધમકી આપી 33 હજારથી વધુ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.-- સુશાંતકુમાર સરોજ (SP, નવગછિયા)
ડીઝલ ભરાવી કર્યો કાંડ : જ્યારે આરોપીઓએ ડીઝલ ભરાવ્યું તો કર્મચારીએ યુવકો પાસેથી રૂ. 7,589 માંગ્યા હતા. ત્યારે આરોપીઓએ પૈસા આપ્યા ન હતા, ઉલટું છરીનો ડર બતાવીને કૃષ્ણ પ્રકાશના ખિસ્સામાંથી રૂ. 11,000 અને કાઉન્ટર પર બેઠેલા સંજીવકુમાર પાસેથી રૂ. 22,600 લૂંટી લીધા હતા. પેટ્રોલપંપના કર્મચારી કૃષ્ણ પ્રકાશના નિવેદનના આધારે નવાગાચિયા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.
આરોપી ઝડપાયા : ધરપકડ કરાયેલા યુવકોમાં એક શૈફ અને એક વિદ્યાર્થી છે. ધરપકડ કરાયેલા યુવકોમાં સ્પર્શ અનુરાગ પટનાની પ્રખ્યાત હોટેલ લેમન ટીમાં શેફ તરીકે કામ કરે છે. જ્યારે પ્રિયાંશુ CA નો અભ્યાસ કરે છે. શુભમ છેતરપિંડીનું કામ કરે છે. શુભમ ભૂતકાળમાં છેતરપિંડીના કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે. શુભમે અગાઉ પણ લૂંટનો મોબાઈલ પાંચ હજાર રૂપિયામાં મોબાઈલ દુકાનદારને વેચ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલ પજેરો ગાડી, એક વીવો કંપનીનો મોબાઈલ, બે એન્ડ્રોઈડ મોબાઈલ અને એક એપલ કંપનીનો આઈફોન જપ્ત કર્યો હતો.