નવી દિલ્હીઃ દેશમાં રવિવાર સુધી કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN 1ના કુલ 63 કેસ નોંધાયા છે. જેમાંથી 34 કેસ તો માત્ર ગોવામાં જ નોંધાયા છે. સોમવારે આ અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી છે.
કોરોનાના નવા વેરિયન્ટ JN 1ના 34 કેસ ગોવામાં નોંધાયા આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 9, કર્ણાટકમાં 8, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતમાં વૈજ્ઞાનિક સમુદાય કોરોના વાયરસના નવા વેરિયન્ટ પર રિસર્ચ કરી રહ્યો છે. રાજ્યોમાં પણ પરીક્ષણ વધારી દેવામાંની જરુર જણાઈ રહી છે.
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN 1ના કેસ નોંધાઈ રહ્યા છે જો કે તેમાં અત્યારે ચિંતાનું કોઈ કારણ જણાતું નથી તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે સંક્રમિત દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેનાથી ખ્યાલ આવે છે કે આ નવા વેરિયન્ટ JN 1ના લક્ષણો બહુ જોખમી નથી.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓમાં વધારો થયો નથી. તેમજ અન્ય મેડિકલ ટ્રીટમેન્ટને પરિણામે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં કોવિડ 19ના લક્ષણો જણાય તે સ્વાભાવિક છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોને કોવિડ નિરીક્ષણ માટેની રણનીતિ માટે વિસ્તૃત ગાઈડલાઈન આપવામાં આવી છે. જેનું પાલન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 628 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યારે કુલ 4,054 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સોમવાર સવારે 8 કલાકે મંત્રાલયે કરેલ અપડેટ માહિતી અનુસાર કોવિડ 19થી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 5,33,334 થઈ ગઈ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. કોરોનાના નવા વેરિયન્ટ JN 1નો પ્રથમ કેસ ઓગસ્ટમાં લક્ઝમબર્ગમાં નોંધાયો હતો. આ વેરિયન્ટ સાર્સ કોવ-2ના BA 2.86(પિરોલા)નો વંશાનુગત ઘટક છે.