ઈમ્ફાલઃ મણિપુરના આદિવાસી બહુમતિ ધરાવતા વિસ્તાર ચુરાચાંદપુર જિલ્લામાં સોમવારે સંપૂર્ણ બંધની જાહેરાત તેમજ અમલ કરાયો છે. NIA અને CBI દ્વારા ચુરાચાંદપુરામાં 2 સગીરો સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડના વિરોધમાં કુકી સંગઠને બંધનું એલાન કર્યુ હતું. આ બંધને પરિણામે જિલ્લામાં જનજીવન ખોરવાયું છે.
CBI તપાસઃ NIA અને CBI દ્વારા ધરપકડ કરાયેલ લોકોમાં મણિપુરના 2 વિદ્યાર્થીઓની હત્યામાં સામેલ લોકોનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર બંને યુવકોની હત્યાના ફોટોઝ વાયરલ થયા બાદ ઈમ્ફાલ ખીણમાં હિંસાત્મક ઘટનાઓ વધી ગઈ હતી. ત્યારબાદ CBIને સમગ્ર મામલો સોંપવામાં આવ્યો હતો.
પોલીસની અપીલઃ પોલીસે બંધ દરમિયાન ચુરાચાંદપુરા જિલ્લામાં બહાર ન નીકળવા અને માર્ગો પર ટ્રાન્સપોર્ટેશન ન કરવાનું જણાવાયું છે. મણિપુરના માન્યતા પ્રાપ્ત આદિવાસી સંગઠન ઈન્ડિયન્સ ટ્રાઈબલ લીડર ફોરમ(ITLF) દ્વારા ધરપકડની વિરોધમાં સવાર 10 કલાકથી જ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સંગઠનની માંગણી છે કે ધરપકડ કરાયેલા લોકોને 48 કલાકની અંદર મુક્ત કરી દેવામાં આવે.
મુખ્ય પ્રધાનનું નિવેદનઃ મણિપુર મુખ્ય પ્રધાન બિરેન સિંહે કહ્યું હતું કે મણિપુરમાં બે યુવાનોના અપહરણ અને હત્યા મુદ્દે CBIએ 4 લોકોની ધરપકડ કરી છે. આ લોકોને કડકમાં કડક સજા મળે તેવી કાર્યવાહી સરકાર કરશે. મણિપુર હિંસાનો લાભ લઈને ભારત વિરૂદ્ધ યુદ્ધ કરવાનું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ષડયંત્રમાં સામેલ એક સંદિગ્ધની તપાસ કરીને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. છેલ્લા પાંચ મહિનાથી મણિપુર સળગી રહ્યું છે. જેમાં 180થી વધુ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. (PTI)